
મહેસાણા, 25 સપ્ટેમ્બર (હિ.સ.) મહેસાણા જિલ્લાના રોજગારવાંચ્છુ યુવાનોને ખાનગી ક્ષેત્રમાં રોજગારીની તકો મળી રહે તે માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, મહેસાણા દ્વારા જિલ્લા કક્ષાના રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળો 29 સપ્ટેમ્બર 2026ના રોજ સવારે 9:30 કલાકે જી.આઈ.ડી.સી. કોમ્યુનિટી હોલ, જી.આઈ.ડી.સી.-1, પાણીની ટાંકી પાસે, મોઢેરા ચાર રસ્તા, મહેસાણા ખાતે યોજાશે.
ભરતીમેળામાં ખાનગી ક્ષેત્રના 20થી વધુ નોકરીદાતાઓ પ્રત્યક્ષ ઉપસ્થિત રહી ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરશે. ભરતીમેળામાં 8 પાસથી લઈને ગ્રેજ્યુએટ તેમજ આઈ.ટી.આઈ., ડિપ્લોમા અને ડિગ્રી સુધીની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકશે. ઉમેદવારો માટે વયમર્યાદા 18થી 35 વર્ષ રાખવામાં આવી છે.
જિલ્લાના આસપાસના વિસ્તારના લાયક ઉમેદવારો પણ ભરતીમેળામાં ભાગ લઈ શકશે. ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાત અને અનુભવને અનુરૂપ બાયોડેટાની નકલો સાથે નિયત સ્થળે અને સમયે હાજર રહેવાનું રહેશે. જિલ્લા રોજગાર કચેરી દ્વારા જણાવ્યા મુજબ, ભરતીમેળામાં દિવ્યાંગ ઉમેદવારો માટે હાલ કોઈ જગ્યાઓ નોંધાયેલ નથી. રોજગાર મેળવવા ઇચ્છુક ઉમેદવારોને આ તકનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR