




કચ્છ, 25 સપ્ટેમ્બર (હિ.સ.) : કચ્છના લોડાઈ ગામમાં શિક્ષણ ક્ષેત્રે નવી સુવિધાઓનો ઉમેરો થયો છે. ગામમાં પ્રાથમિક શાળાની નવનિર્મિત ઇમારત સહિત વિવિધ માળખાગત સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન અંદાજે રૂ.1.75 કરોડના વિકાસકાર્યો ગ્રામજનોને અર્પણ કરવામાં આવ્યા હતા. આ વિકાસકામોમાં પ્રાથમિક શાળાનું નવું મકાન, મધ્યાહન ભોજન માટેનું રસોડું, શેડ તેમજ કમ્પાઉન્ડ વૉલ સહિતની સુવિધાઓનો સમાવેશ થાય છે.
લોકાર્પણ પ્રસંગે રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે શાળા માત્ર ભણતર મેળવવાનું સ્થળ નથી, પરંતુ બાળકોના ઘડતર અને સંસ્કારનું કેન્દ્ર પણ છે. લોડાઈની આ શાળા તમામ સમાજ અને વર્ગના બાળકો માટે શિક્ષણનું મહત્વપૂર્ણ કેન્દ્ર બનશે. તેમણે બાળકો દ્વારા પોતાના માતા-પિતાને કાર્યક્રમમાં આમંત્રિત કરવાની પહેલને પણ બિરદાવી હતી. તેમના જણાવ્યા મુજબ માતા-પિતાનું સ્થાન જીવનમાં સર્વોચ્ચ છે અને વડીલો પ્રત્યે આદર, લાગણી તથા જવાબદારીની ભાવના કેળવવી એ શિક્ષણનો મહત્વનો ભાગ છે.
લોડાઈ અને આસપાસના વિસ્તારના વિકાસનો ઉલ્લેખ કરતા રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે વિવિધ ક્ષેત્રોમાં પાયાની સુવિધાઓને મજબૂત બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આરોગ્ય સેવાઓ, ઉચ્ચ શિક્ષણ માટે એક્સટેન્શન સેન્ટર, વીજળી માટે સબસ્ટેશન, રસ્તા, કેનાલ અને પીવાના પાણી જેવી સુવિધાઓથી વિસ્તારના વિકાસને ગતિ મળી રહી છે. સિંચાઈ માટે કેનાલ મારફતે પાણી ઉપલબ્ધ કરાવવાની કામગીરી પણ આગળ વધારવામાં આવી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.
રાજ્યમંત્રીએ લોડાઈ વિસ્તારના ભવિષ્ય અંગે આશાવાદ વ્યક્ત કરતાં આગામી વર્ષોમાં અહીં શહેર જેવી માળખાગત સુવિધાઓ વિકસિત થવાની શક્યતા વ્યક્ત કરી હતી. સાથે જ તેમણે ખેતીને આર્થિક સમૃદ્ધિનું મહત્વનું માધ્યમ ગણાવી ગ્રામજનોને પોતાની જમીનનું મહત્વ જાળવી રાખવા અપીલ કરી હતી.
કાર્યક્રમમાં જિલ્લા તથા તાલુકા પંચાયતના પદાધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સરપંચો, અધિકારીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. નવા શાળા મકાન અને અન્ય સુવિધાઓ મળતા લોડાઈના વિદ્યાર્થીઓને શિક્ષણ માટે વધુ સાનુકૂળ વાતાવરણ ઉપલબ્ધ બન્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar