



મહેસાણા, 25 સપ્ટેમ્બર (હિ.સ.) : અમદાવાદના નવા વાડજથી અંબાજી માતાના દર્શન માટે નીકળતો વ્યાસવાડી સંઘ 33 વર્ષથી શ્રદ્ધા અને શિસ્ત સાથે પદયાત્રાની પરંપરા જાળવી રહ્યો છે. વર્ષ 1995માં શરૂ થયેલી આ યાત્રામાં દર વર્ષે આશરે 150 પદયાત્રીઓ જોડાય છે. અમાસથી શરૂ થતી યાત્રામાં 200 કિલોમીટરથી વધુનું અંતર કાપી સંઘ અંબાજી પહોંચે છે.
વ્યાસવાડી સંઘની સૌથી યાદગાર ઘટના વર્ષ 2008ની છે. તે વર્ષે સંઘ 1252 ગજની વિશાળ ધજા અંબાજી લઈ ગયો હતો. સંઘના જણાવ્યા મુજબ, આ ધજાની ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધ થઈ હતી. વિશાળ ધજાની સાથે સંઘે પોતાની પરંપરાગત 52 ગજની ધજા પણ અંબાજી પહોંચાડી હતી.
પદયાત્રા દરમિયાન સંઘ બહારના સેવા કેમ્પો પર નિર્ભર રહેતો નથી. ભોજન, નાસ્તો, પાણી, આરામ અને મેડિકલ સુવિધા સહિતની જરૂરી વ્યવસ્થા સંઘ પોતાની સાથે રાખે છે. ઈમરજન્સી માટે બે વાહનો પણ સાથે રહે છે. રસ્તામાં સ્વચ્છતા જાળવવાની જવાબદારી પણ સંઘના સભ્યો જાતે સંભાળે છે.
આ વર્ષે મંદિર ટ્રસ્ટના નિયમો મુજબ 52 ગજની ધજા માતાજીના ચરણોમાં અર્પણ કરી 5 મીટરની ધજા ચઢાવવામાં આવી હતી. સંઘના પ્રમુખ તુષારભાઈ શર્માના જણાવ્યા મુજબ, ભક્તિ સાથે શિસ્ત, સ્વચ્છતા અને સ્વનિર્ભર વ્યવસ્થાને મહત્વ આપી 33 વર્ષથી પદયાત્રાની પરંપરા જાળવવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR