
નવી દિલ્હી, 03 સપ્ટેમ્બર (હિ.સ.). કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહને, ગુરુવારે દિલ્હીમાં હિમાલયી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગ્લેશિયલ લેક આઉટબર્સ્ટ ફ્લડ (જીએલઓએફ) અને હિમપ્રપાતના જોખમોનો સામનો કરવાની તૈયારીઓ માટે એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં નેપાળમાં જીએલઓએફના કારણે પૂર આવ્યું હતું, જેનાથી મોટા પાયે જાનહાનિ થઈ છે.
ગૃહ સચિવે સ્પષ્ટ કર્યું કે, જીએલઓએફ અને હિમપ્રપાતનો સામનો કરવાની વ્યૂહરચનાઓ ફક્ત પ્રતિક્રિયા-કેન્દ્રિત ન હોવી જોઈએ. તેમણે જોખમ-આધારિત આયોજન, નિવારક શમન ઉપાયો અને સામુદાયિક સ્તરની તૈયારીઓ પર વિશેષ ભાર મૂક્યો. આ સાથે તેમણે રાજ્યોને વર્ષ 2024માં મંજૂર થયેલી કેન્દ્ર સરકારની જીએલઓએફ શમન પરિયોજનાના અમલીકરણમાં ઝડપ લાવવાના નિર્દેશ આપ્યા.
સમીક્ષા બેઠકમાં સંવેદનશીલ ગ્લેશિયલ સરોવરો અને બરફથી ઢંકાયેલા વિસ્તારોની સતત દેખરેખ તથા ઉચ્ચ જોખમવાળા સ્થળોની ઓળખ, ચેતવણી પ્રણાલીઓને મજબૂત કરવી અને અંતિમ છેડા સુધી સમયબદ્ધ માહિતીનો પ્રસાર, રાજ્ય એજન્સીઓ, જિલ્લા પ્રશાસન અને વૈજ્ઞાનિક-તકનીકી સંસ્થાઓ વચ્ચે બહેતર તાલમેલ સ્થાપિત કરવો અને જળ-પ્રવાહ માર્ગોનું નિર્ધારણ, સ્થળાંતરની યોજનાઓ અને સંવેદનશીલ વિસ્તારોમાં આવશ્યક સંસાધનોની પૂર્વ તૈનાતી પર ભાર મૂકવામાં આવ્યો.
બેઠકનું સમાપન આંતર-એજન્સી સંકલનને સતત જાળવી રાખવા અને નિયમિતપણે માહિતીના આદાનપ્રદાનના નિર્દેશો સાથે થયું, જેથી હિમાલયી વિસ્તારોમાં જાનહાનિ અને સંપત્તિના નુકસાનને ન્યૂનતમ કરી શકાય.
આ બેઠકમાં ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના મુખ્ય સચિવો તથા રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણો (એસડીએમએ)ના પ્રતિનિધિઓએ ભાગ લીધો. આ ઉપરાંત ગૃહ મંત્રાલય, રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણ (એનડીએમએ), કેન્દ્રીય જળ આયોગ (સીડબ્લ્યુસી), ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (આઈએમડી) અને રક્ષા ભૂ-સૂચના વિજ્ઞાન અનુસંધાન પ્રતિષ્ઠાન (ડીજીઆરઈ)ના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા.
હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / અનૂપ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ