શિક્ષણ ક્ષેત્રે નૂતન પ્રયોગોના પ્રણેતા: રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા સોનલ રાવલ
અમદાવાદ, 04 સપ્ટેમ્બર (હિ.સ.) બાળક જોઈ જે રીઝે, રીઝે બાળક જેને જોઈને, સ્નેહલ સૂરત, વત્સલ મૂરત, હૃદય હૃદયના વંદન તેને! કવિશ ઉમાશંકર જોશીની આ પંક્તિઓને પોતાના જીવન અને કાર્યશૈલીમાં સાર્થક કરનાર શિક્ષિકા એટલે સોનલ પ્રફુલભાઈ રાવલ. માતા શિક્ષક હોવાથ
સોનલબેન રાવલ


સોનલબેન રાવલ


અમદાવાદ, 04 સપ્ટેમ્બર (હિ.સ.) બાળક જોઈ જે રીઝે, રીઝે બાળક જેને જોઈને, સ્નેહલ સૂરત, વત્સલ મૂરત, હૃદય હૃદયના વંદન તેને! કવિશ ઉમાશંકર જોશીની આ પંક્તિઓને પોતાના જીવન અને કાર્યશૈલીમાં સાર્થક કરનાર શિક્ષિકા એટલે સોનલ પ્રફુલભાઈ રાવલ. માતા શિક્ષક હોવાથી બાળપણથી જ બાળકોમાં શિક્ષણ અને સંસ્કારનું સિંચન કરવાનો સંકલ્પ લઈને આગળ વધેલા સોનલબેને પોતાની ૨૬ વર્ષની દીર્ઘ શૈક્ષણિક કારકિર્દીમાં શિક્ષણ ક્ષેત્રે અનેક નૂતન પ્રયોગો કર્યા છે.

હાલમાં અમદાવાદ કોર્પોરેશનની ઘાટલોડિયા પ્રાથમિક શાળા નં.૩ માં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવતા સોનલબેનને તેમની ઉત્કૃષ્ટ સેવાઓ બદલ 'ગુજરાત રાજ્યકક્ષા પ્રાથમિક શિક્ષક વિભાગ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ 2026' થી સન્માનિત કરવામાં આવ્યા છે.

શૈક્ષણિક સફર અને 'સ્લમથી સ્માર્ટ સ્કૂલ'નો અભિનવ બદલાવ સોનલબેને 9 ફેબ્રુઆરી 2000 ના રોજ દસ્ક્રોઈ તાલુકાની ખોડિયાર પ્રાથમિક શાળાથી પોતાની શૈક્ષણિક સેવાઓની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમણે ઓગણજ સી.આર.સી.કો-ઓર્ડિનેટર તરીકે 9 વર્ષ સુધી સેવાઓ આપી શૈક્ષણિક ગુણવત્તા વધારવામાં મહત્વનો ભાગ ભજવ્યો.

નિર્ણયનગર અને થલતેજ શાળા નં.1 માં ફરજ બજાવ્યા બાદ તેઓ ઘાટલોડિયા પ્રાથમિક શાળા નં.3 માં જોડાયા. ઘાટલોડિયાની આ શાળામાં મુખ્યત્વે શ્રમજીવી અને સ્લમ વિસ્તારના બાળકો ભણે છે. પરંતુ પ્રત્યેક બાળક મહત્વનું છે ના ભાવ સાથે સોનલબેને પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી શાળાનો કલ્ચરલ અને શૈક્ષણિક માળખો જ બદલી નાખ્યો. તેમના અથાક પ્રયાસોથી આજે આ શાળા અમદાવાદ કોર્પોરેશનમાં માત્ર ભૌતિક જ નહીં, પરંતુ શૈક્ષણિક રીતે પણ એક ઉત્કૃષ્ટ 'સ્માર્ટ સ્કૂલ' તરીકે ઉભરી આવી છે.

સોનલબેન માત્ર પુસ્તકીય જ્ઞાન આપવાને બદલે પ્રત્યક્ષ અને પ્રવૃત્તિલક્ષી શિક્ષણના હિમાયતી રહ્યા છે. જેમાં પાઠ્યપુસ્તકના એકમોને સમજાવવા તેઓ બાળકોને રેલ્વે સ્ટેશન, પોલીસ સ્ટેશન, બેંક, શાકમાર્કેટ, ફાયર સ્ટેશન, 108 એમ્બ્યુલન્સ અને ખેતરની પ્રત્યક્ષ મુલાકાત કરાવે છે. બાળકો જીવનકૌશલ્ય શીખી શકે તે માટે પાણીની ટાંકી, ગેસ-કૂકર રીપેર કરનાર, પ્લમ્બર, સાવરણી બાંધનાર અને માળી જેવા કારીગરોની રૂબરૂ મુલાકાત ગોઠવે છે.

વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રુચિ કેળવાય તે માટે સાયન્સ ડેની ઉજવણી સાથે બાળકોને ISRO અને વિક્રમ સારાભાઈ સેન્ટરની શૈક્ષણિક મુલાકાતે લઈ ગયા છે. તેમજ શૈક્ષણિક કાર્યને રસપ્રદ બનાવવા માટે તેમણે જાતે 100 થી વધુ શૈક્ષણિક સાધનો બનાવ્યા છે અને બાળકો પાસે 'વેસ્ટમાંથી બેસ્ટ' ની પ્રવૃત્તિઓ કરાવી છે. શાળામાં સરસ્વતી પૂજન, બાળકદીઠ ભગવદ્ ગીતાનું વિતરણ, શ્લોક પઠન અને અર્થગ્રહણ જેવી પ્રવૃત્તિઓ થકી બાળકોમાં ધાર્મિક-આધ્યાત્મિક મૂલ્યોનું સિંચન કર્યું છે.

સામાજિક જવાબદારી અને વિશિષ્ટ પહેલ કરીને સોનલબેન ખોડિયાર શાળામાં વાલી સંપર્ક કરી ડ્રોપઆઉટ રેશિયો શૂન્ય સુધી લાવ્યા અને કન્યા કેળવણીને પ્રોત્સાહન આપ્યું છે. ઘાટલોડિયા શાળામાં શ્રમજીવી બાળકોની ગેરહાજરી દૂર કરવા વાલી મીટિંગો યોજી, ક્રિયાત્મક સંશોધન કર્યા અને 100 % હાજરી ધરાવતા બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા છે. તેમજ વિદ્યાર્થીઓના જન્મદિવસે મીઠાઈ કે ચોકલેટ વહેંચવાની જગ્યાએ શાળા તથા વ્યક્તિગત સ્વચ્છતા માટે બ્રશ અને ઊલિયું જેવા સાધનો ભેટ આપી સ્વચ્છતાની આદત કેળવી છે. ઉપરાંત શાળામાં પક્ષીઓ માટે કૂંડા અને કીચન ગાર્ડન બનાવી જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

સોનલબેનની આ નિષ્ઠાવાન સેવાઓને બિરદાવતા તેમને ઘણા પુરસ્કારો મળ્યા છે, જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક (2025 ), શિક્ષક પ્રતિભા સન્માન - અમદાવાદ કોર્પોરેશન (2025 ), તેમજ ગુજરાત રાજ્યકક્ષા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ (2026 ) તેમજ સોનલબેન રાવલ માને છે કે શિક્ષક તરીકેનું આ કાર્ય એમની ફરજનો એક ભાગ છે. બાળકો, વાલીઓ, આચાર્ય અને સહકર્મીઓના સાથ-સહકારથી જ આ સફળતા શક્ય બની છે. એક પ્રયોગશીલ અને સમર્પિત શિક્ષિકા તરીકે સોનલ રાવલ સમગ્ર અમદાવાદ સ્કૂલ બોર્ડ અને ગુજરાતના શિક્ષણ જગત માટે પ્રેરણાસ્રોત બન્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande