
ડાકોર/અમદાવાદ, 04 સપ્ટેમ્બર (હિ.સ.) : ભગવાન શ્રીકૃષ્ણની નગરી દ્વારકામાં તેમજ શામળાજી વિષ્ણુમંદિર અને ડાકોર રણછોડરાય મંદિરે જન્માષ્ટમીના પાવન પર્વની ભવ્ય ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
ડાકોરમાં ભક્તોની ભીડ, વહેલી સવારથી દર્શન માટે લાઈનો લાગી છે. 'જય રણછોડ'ના નાદથી ગુંજ્યું ડાકોર. જન્માષ્ટમીના પર્વને લઈને દ્વારકા, ડાકોર અને શામળાજીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. ગુજરાત ઉપરાંત દેશના વિવિધ રાજ્યોમાંથી પણ ભક્તો દ્વારકાધીશના દર્શન કરવા આવશે. અનેક ભક્તો જન્માષ્ટમીના દિવસે ભગવાનના જન્મસ્થળની પાવન નગરીમાં રહીને મધરાતે યોજાતા જન્મોત્સવના સાક્ષી બનશે. મધ્યગુજરાતના લોકો ડાકોર અને ઉત્તર ગુજરાતના લોકો શામળાજીમાં કૃષ્ણજન્મના સાક્ષી બનશે.
જન્માષ્ટમીના દિવસે દ્વારકાધીશ મંદિર, શામળાજી મંદિર અને ડાકોર મંદિરમાં દિવસભર વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે.
ભગવાન શ્રીકૃષ્ણના જન્મનો મુખ્ય ઉત્સવ મધરાતે ઉજવાશે. નિર્ધારિત સમયે ભગવાન દ્વારકાધીશના જન્મોત્સવની વિશેષ વિધિ કરવામાં આવશે અને ત્યારબાદ ભક્તોને ભગવાનના વિશેષ દર્શનનો લાભ મળશે. ‘નંદ ઘેર આનંદ ભયો’ના જયઘોષ સાથે સમગ્ર મંદિર પરિસર કૃષ્ણમય બની જશે.
મંદિરના ઈન્ચાર્જ મેનેજર રાકેશ દવેના જણાવ્યા અનુસાર આજના પવિત્ર દિવસે ભગવાન રણછોડરાયજીને સવારમાં મંગળા આરતી પહેલા પંચામૃતથી ખાસ સ્નાન કરાવવામાં આવે છે. મંગળા આરતી સંપન્ન થયા બાદ ઠાકોરજીને વિવિધ ભોગ સામગ્રી ધરાવવામાં આવે છે અને વિશેષ આભૂષણોનો શૃંગાર ધારણ કરાવવામાં આવે છે.
રાત્રે 11 વાગ્યાથી ભગવાન રણછોડરાયજીને ધારણ કરાવેલા વસ્ત્રો ઉતારવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે અને બરાબર રાત્રે 12 વાગે ભગવાનને ફરી પંચામૃત સ્નાન કરાવીને જન્મોત્સવની મુખ્ય ઉજવણી કરવામાં આવે છે.
જન્મોત્સવની વિધિ પૂર્ણ થયા બાદ ભગવાનને નૂતન વસ્ત્રો અને કિંમતી આભૂષણો અંગીકાર કરાવવામાં આવે છે. જન્માષ્ટમીના આ ખાસ પ્રસંગે ભગવાનની સાથે તેમના બાળ સ્વરૂપ ગોપાલલાલજી મહારાજને પણ બિરાજમાન કરવામાં આવે છે અને તેમને સોના-ચાંદીના હિંડોળે ઝુલાવી પારણા ઉત્સવ ઉજવવામાં આવે છે.
આ સુવર્ણ અવસર પર દેશ-વિદેશથી આવતા તમામ શ્રદ્ધાળુઓ નિરાંતે દર્શન કરી શકે તે માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જન્માષ્ટમીના દિવસે આ ખાસ દર્શન સાંજના 5 વાગ્યાથી શરૂ થઈને બીજા દિવસે સવારના 5 વાગ્યા સુધી સતત ચાલુ રાખવામાં આવશે, જેથી ભક્તો ભગવાનના બાળ સ્વરૂપના દર્શનનો લાભ લઈ શકશે.
આઇજી રાઘવેન્દ્ર વત્સે ભગવાન શ્રીકૃષ્ણના ૫૨૫૩મા જન્મોત્સવના પાવન પર્વે ડાકોરવાસીઓ, ખેડા જિલ્લાવાસીઓ અને સમગ્ર ભારતના નાગરિકોને જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.
આ પાવન અવસરે ડાકોર આવતા ભક્તોને દર્શન કરવામાં કોઈ મુશ્કેલી ન પડે અને વ્યવસ્થા સુચારૂ રીતે જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
ભીડ અને ટ્રાફિક વ્યવસ્થાપન માટે પણ પોલીસ તથા સ્થાનિક તંત્ર દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે, જેથી દર્શનાર્થીઓને સરળતા રહે. આ સાથે જ આઇજીશ્રીએ ડાકોરમાં આવતા તમામ શ્રદ્ધાળુઓને શાંતિ અને સુવ્યવસ્થા જાળવવામાં પોલીસ તંત્રને પૂર્ણ સહયોગ આપવા ખાસ અપીલ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ