
ભાવનગર/અમદાવાદ,05 સપ્ટેમ્બર (હિ.સ.) ભાવનગરમાં જૈન શાસનની યશપતાકા લહેરાવતો એક અદ્ભુત અને ભક્તિમય માહોલ સર્જાયો છે. આચાર્ય ભગવંત વિજય રાજહંસ સૂરિશ્વરજી મહારાજ સાહેબની પાવન નિશ્રામાં હાલમાં ધર્મચક્ર તપની ભવ્ય આરાધના ચાલી રહી છે.
આ ધાર્મિક મહોત્સવમાં ભાવનગર જૈન સંઘના આશરે 600 જેટલા સામુદાયિક આરાધકો એકસાથે જોડાઈને આકરી સાધના કરી રહ્યા છે. ભાવનગર જૈન સંઘ દ્વારા તમામ તપસ્વીઓ માટે સવાર-સાંજ સામુદાયિક બિયાસણાની અત્યંત સુંદર અને સુવ્યવસ્થિત વ્યવસ્થા કરવામાં આવી છે, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિરસથી તરબોળ બન્યું છે.
અજોડ તપસ્વી રત્ન: ગૌરાંગ શાહની કઠિન સાધના
આ સમૂહ આરાધનામાં ભાવનગરના ગૌરવ સમાન અને જૈન સંસ્કારો સાથે વર્ષોથી દ્રઢપણે જોડાયેલા તપસ્વી રત્ન ગૌરાંગ શાહ પ્રેરણાનું પરમ કેન્દ્ર બન્યા છે. ગૌરાંગભાઈનો તપનો ઈતિહાસ હૃદયસ્પર્શી અને આશ્ચર્ય પમાડે તેવો છે. તેમની તપશ્ચર્યા માત્ર ઉપવાસ પૂરતી મર્યાદિત નથી, પરંતુ રસ-ત્યાગ અને દ્રવ્ય-મર્યાદાની પરાકાષ્ઠા છે:
નિયમ અને બાધા: ચાલુ ધર્મચક્ર તપ તેમજ અગાઉ કરેલા વર્ષીતપ દરમિયાન તેઓ બિયાસણામાં માત્ર 5 જ વસ્તુ (દ્રવ્ય) વાપરે છે. આ સાથે જ તેમણે મિઠાઈની સંપૂર્ણ બાધા રાખીને જીભના સ્વાદ પર અદ્ભુત વિજય મેળવ્યો છે.
વર્ષ 2012: સિદ્ધિતપની સુંદર આરાધના કરી તપસ્વી જીવનની મજબૂત શરૂઆત કરી.
વર્ષ 2013 : કઠિન માસક્ષમણ (30 ઉપવાસ) તપ કર્યો અને તેના માત્ર 12 જ દિવસના ટૂંકા વિરામ બાદ ફરીથી 45 ઉપવાસની ઉગ્ર સાધના કરી.
વર્ષ 2014: આત્મશુદ્ધિ કાજે સતત 111 ઉપવાસની મહાતપશ્ચર્યા પૂર્ણ કરી.
વર્ષ 2015... આચાર્ય ભગવંત વિજય રાજહંસ સૂરિશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં 153 ઉપવાસની અત્યંત દુર્લભ આરાધના કરી. આ ઐતિહાસિક તપના કારણે સમગ્ર ભારતભરમાંથી લોકોએ તેમની રૂબરૂ મુલાકાત લઈ ભાવપૂર્વક અનુમોદના કરી હતી.
વર્ષ 2019 : ફરી એકવાર માસક્ષમણ (30 ઉપવાસ) ની આરાધના કરી આત્મબળનો પરિચય આપ્યો.
વર્ષ 2022 : કઠિન નિયમો સાથે આકરા વર્ષીતપની સાધના પણ ખૂબ જ સુખપૂર્વક પૂર્ણ કરી.
ધર્મચક્ર તપની આરાધના અને અનુમોદના
ભૌતિક સુખો અને સ્વાદ લોલુપતાથી ભરેલા આ આધુનિક યુગમાં, ગૌરાંગ શાહ જેવા મહાતપસ્વીઓ સમાજ માટે દીવાદાંડી સમાન છે. પૂજ્ય ગુરુદેવની નિશ્રા અને પ્રેરણાથી જ આવું કઠિન અને નીરસ તપ શક્ય બને છે. ભાવનગરની આ પવિત્ર ભૂમિ પર 600 આરાધકોની સાથે ગૌરાંગભાઈ જે રીતે ધર્મચક્ર તપની આરાધના આગળ ધપાવી રહ્યા છે, તે સમગ્ર જૈન શાસન માટે ગૌરવની ક્ષણ છે.
આવા મહાન તપસ્વી રત્ન ગૌરાંગ શાહની કાયા સુખસાતામાં રહે અને તેમનો આ તપ મહોત્સવ નિર્વિઘ્ને પૂર્ણ થાય તેવી ભાવનગર જૈન સંઘ અને સકલ સંઘ વતી કોટિ કોટિ અનુમોદના! તપસ્વી અમર રહો, જૈન શાસન વિજયવંત વર્તો!
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ