
- અંદાજિત રૂ. ૨ કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત
સોમનાથ, 05 સપ્ટેમ્બર (હિ.સ.) : પવિત્ર શ્રાવણ માસની શ્રાવણ કૃષ્ણ અષ્ટમી, એટલે કે શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવને વિશેષ અને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ થી અલંકૃત કરવામાં આવ્યા હતા.
જન્માષ્ટમીના પાવન અવસરે શ્રી સોમનાથ મહાદેવના જ્યોતિર્લિંગ પર શ્રીકૃષ્ણની સોમ્ય મુદ્રાની વિશેષ પ્રતિકૃતિ રચવામાં આવી હતી. શિવ સ્વરૂપે બિરાજમાન સોમનાથ મહાદેવના જ્યોતિર્લિંગ પર શ્રીકૃષ્ણના દર્શન થતાં ભક્તિ અને આધ્યાત્મિકતાનો અનોખો માહોલ સર્જાયો હતો.
આ વિશેષ શૃંગારનું વિશેષ આકર્ષણ અંદાજિત રૂ. ૨ કરોડની કિંમતનું સુવર્ણ મુગટ રહેલ. સોમનાથ મંદિરના સમગ્ર ગર્ભગૃહને અગાઉ સુવર્ણમંડિત કરનાર ભક્ત પરિવાર એવા લખી પરિવાર દ્વારા તાજેતરમાં ફરી વખત સોમનાથ મહાદેવના ચરણોમાં અંદાજે 2 કરોડની કિંમતનો સુવર્ણ મુગટ અર્પણ કરવામાં આવ્યો છે. જન્માષ્ટમીના પાવન અવસરે આ સુવર્ણ મુગટને શ્રી સોમનાથ મહાદેવને ધારણ કરાવી વિશેષ શૃંગારમાં અલંકૃત કરવામાં આવ્યા હતા.
‘કૃષ્ણ દર્શન શૃંગાર’ અંતર્ગત ગર્ભગૃહમાં કૃષ્ણની વિવિધ બાળલીલાઓને પણ ભાવસભર રીતે પ્રસ્તુત કરવામાં આવી હતી. વસુદેવજી દ્વારા બાળ કૃષ્ણને યમુનાજી પાર લઈ જવાનો પ્રસંગ, ગાયોના સાનિધ્યમાં વાંસળી વગાડતા ગોપાળ શ્રીકૃષ્ણ, તેમજ હિંડોળામાં ઝૂલતા કૃષ્ણની મનોહર પ્રતિમૂર્તિઓ ભક્તો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી.
શ્રાવણ કૃષ્ણ અષ્ટમીના આ પાવન પર્વે સમગ્ર દેશ-વિદેશમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થઈ રહી છે. ત્યારે સોમનાથ મહાદેવના દર્શને આવતા શ્રદ્ધાળુઓને સનાતન ધર્મની આધ્યાત્મિક પરંપરામાં રહેલા હરિહર ઐક્યને ઉજાગર કરતા આ વિશેષ શૃંગારના દર્શનનો લાભ મળ્યો હતો. જ્યોતિર્લિંગ પર કૃષ્ણની સોમ્ય પ્રતિમૂર્તિ અને ગર્ભગૃહમાં પ્રસ્તુત થયેલી કૃષ્ણની બાળલીલાઓએ જન્માષ્ટમીના પાવન પર્વને વધુ દિવ્ય અને સ્મરણીય બનાવ્યો હતો.
સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કૃષ્ણના દિવ્ય દર્શન પામી ભક્તોએ હરિહર એકત્વની સાક્ષાત્ ઝાંખી અનુભવી ધન્યતા પ્રાપ્ત કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ