
સુરત, 06 સપ્ટેમ્બર (હિ.સ.)-શ્રાવણ માસ દરમિયાન સુરતમાં ભક્તિ સાથે જીવદયા અને અન્નના સદુપયોગનો અનોખો સંદેશ આપતું આયોજન કરવામાં આવ્યું હતું. અડાજણ સ્થિત સત્ય સેવા જીવદયા ટ્રસ્ટ દ્વારા આશરે 2,000 કિલો શાકભાજી અને ઘાસનો ઉપયોગ કરીને 10 ફૂટ ઊંચું ભવ્ય શિવલિંગ તૈયાર કરવામાં આવ્યું હતું.
દૂધી, ગાજર, રીંગણ, ટામેટા, બટાકા, કોબીજ અને કાકડી સહિતની વિવિધ શાકભાજીને વિશિષ્ટ રીતે ગોઠવીને શિવલિંગનો આકાર આપવામાં આવ્યો હતો. ટ્રસ્ટના સેવકોની આશરે છ કલાકની મહેનત બાદ 16 બાય 10 ફૂટના વિસ્તારમાં આ શિવલિંગ તૈયાર કરવામાં આવ્યું હતું.
પાલ-ઉમરા બ્રિજ નજીક આવેલા ઓમ તાપ્તિ કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે 4થી 6 સપ્ટેમ્બર દરમિયાન આ શિવલિંગ ભક્તોના દર્શન માટે રાખવામાં આવ્યું હતું. શાકભાજીમાંથી તૈયાર કરાયેલા અનોખા શિવલિંગના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા.
દર્શન બાદ શાકભાજીનો નહીં થાય બગાડ
આ આયોજનની વિશેષતા એ છે કે, ધાર્મિક કાર્યક્રમ પૂર્ણ થયા બાદ શિવલિંગમાં ઉપયોગમાં લેવાયેલી શાકભાજીનો નિકાલ કરવામાં આવશે નહીં. આશરે 2,000 કિલો શાકભાજીને ગૌશાળામાં લઈ જઈ ગાયોના આહાર તરીકે ઉપયોગમાં લેવામાં આવશે.
ટ્રસ્ટના આ પ્રયાસનો મુખ્ય ઉદ્દેશ ભક્તિ સાથે અન્નનો સદુપયોગ અને અબોલ જીવો પ્રત્યેની સંવેદના અંગેનો સંદેશ લોકો સુધી પહોંચાડવાનો છે. મહાદેવનું સ્વરૂપ આપીને જે અન્નની પૂજા કરવામાં આવી, એ જ અન્ન બાદમાં ગાયોના ભોજન માટે સમર્પિત કરવામાં આવશે.
5555 દિવ્ય રુદ્રાક્ષનું વિતરણ
આ પ્રસંગે 6 સપ્ટેમ્બરે 5555 દિવ્ય રુદ્રાક્ષનું નિઃશુલ્ક મહાવિતરણ પણ કરવામાં આવ્યું હતું. શિવલિંગના દર્શન સાથે રુદ્રાક્ષ વિતરણ અને ગૌસેવાને જોડીને સમગ્ર આયોજનને ધાર્મિક આસ્થા સાથે સેવાભાવનું સ્વરૂપ આપવામાં આવ્યું.
સામાન્ય રીતે ધાર્મિક આયોજનોમાં ઉપયોગમાં લેવાતી સામગ્રીનો કાર્યક્રમ બાદ નિકાલ કરવો પડે છે. તેની સામે શાકભાજીનો ઉપયોગ કરીને શિવલિંગ તૈયાર કરવું અને બાદમાં એ જ શાકભાજીને ગાયોના આહાર માટે ઉપયોગમાં લેવાનો નિર્ણય અન્નના બગાડને અટકાવતું અનોખું ઉદાહરણ બન્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે