જામનગર, 1 ઓક્ટોબર (હિ.સ.) જામનગર જિલ્લામાં પશુઓ માટે કાર્યરત ૧૯૬૨ મોબાઇલ વેટરનરી ડિસ્પેન્સરી એમ્બ્યુલન્સ સેવા અબોલ જીવો માટે સાચા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પશુધનને તાત્કાલિક અને નિઃશુલ્ક સારવાર પૂરી પાડીને આ સેવા પશુપાલકોની મોટી મદદ કરી રહી છે.તાજેતરમાં જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના બેડીયા ગામના પશુપાલક દિનેશભાઈએ તેમની બીમાર ભેંસ માટે ૧૯૬૨ હેલ્પલાઈન પર ફોન કર્યો હતો. તેમણે જણાવ્યું કે તેમની ભેંસ ખૂબ જ ગંભીર રીતે પીડાઈ રહી છે.અને તેને ખાવા પીવાનું પણ છોડી દીધું છે.તરત જ, કાલાવડ તાલુકાની ૧૯૬૨ એમ્બ્યુલન્સનો સ્ટાફ, જેમાં ડો. નરેશભાઈ અને પાયલોટ-કમ-ડ્રેસર હુસેનભાઈ શાહ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ભેંસની ગર્ભાવસ્થામાં ગર્ભાશયમાં આવેલી એલાન્ટોઇક થેલીમાં અતિશય પાણી ભરાઈ ગયું હતું.અને ભેંસ 'હાઇડ્રોએલન્ટોઇસ'થી પીડાઈ રહી છે.ડો.નરેશભાઈએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી, ગર્ભાશયમાં ભરાયેલા પાણીને બહાર કાઢ્યું અને ગર્ભાશયમાં રહેલા મૃત પાડીને સફળતાપૂર્વક બહાર લાવવામાં આવ્યું. આશરે દોઢ કલાકની જહેમત બાદ ડોક્ટર દ્વારા ભેંસને પીડામાંથી મુક્ત કરીને તેને નવજીવન આપવામાં આવ્યું હતું.પશુપાલક દિનેશભાઈને આ સંપૂર્ણ સેવા નિઃશુલ્ક પૂરી પાડવામાં આવી હતી, જેનાથી તેમણે સરકાર પ્રત્યે ખુશી અને આભારની લાગણી વ્યક્ત કરી હતી.આ સફળ અને માનવતાભર્યા કાર્યની નોંધ લેતા, ૧૯૬૨ ના પ્રોગ્રામ મેનેજર ડો.સોયબ ખાન અને જામનગર જિલ્લાના પ્રોજેક્ટ કોર્ડીનેટર ચિંતનભાઈ પંચાલ દ્વારા ૧૯૬૨ MVD એમ્બ્યુલન્સની ટીમનાં કાર્યને બિરદાવવામાં આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt