- ઇલેટ્રિક્ટ પેનલ બોર્ડમાં શોર્ટ સર્કિટના કારણે દુર્ઘટના સર્જાઈ
સોમનાથ/અમદાવાદ,1 ઓકટોબર (હિ.સ.) સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના સિડોકર ગામે રબારી સમાજના આસ્થાના કેન્દ્ર માં મોમાઈ માતાજીના મઢ ખાતે મોમાઈ માતાજીના ભંડારા સમયે કરંટ લાગતા સગીર સહિત 3નાં મોત થયા છે. પ્રાથમિક વિગતો મુજબ સવારે સાડા ચાર વાગ્યે ઇલેટ્રિક્ટ પેનલ બોર્ડમાં શોર્ટ સર્કિટના કારણે દુર્ઘટના સર્જાઈ છે.
રબારી સમાજના આસ્થાના કેન્દ્ર માં મોમાઈ માતાજીના મઢ ખાતે પુંજ ઉત્સવ પ્રસંગે શોકાંત ઘટના બની છે. નવરાત્રિની આઠમ અને નોમના પાવન પ્રસંગે યોજાયેલા પુંજ ઉત્સવમાં આજે વહેલી સવારે કરુણાંતિકા સર્જાતા ઉત્સવની રોનક ગમગીન બની ગઈ.
સવારે સાડા ચાર વાગ્યે વરસાદ વરસી રહ્યો હતો. એ સમયે ત્રણ ભક્તો ચા ભંડારા પાસે ઉભા હતા અને વરસાદથી બચવા ઈલેક્ટ્રિક પેનલ બોર્ડ નજીક ગયા. અચાનક શોર્ટ સર્કિટ થતા ત્રણેયને વીજ કરંટ લાગ્યો અને ઘટનાસ્થળે જ તેમનું મોત થયું હતું.
મૃતકોમાં
ભરત નારણભાઇ ગલચર,હર્ષલ ભરતભાઇ ચૌહાણ અને કરશન ગોવિંદ મારુ તરીકે ઓળખ થઈ છે. પોલીસે ત્રણેયના મૃતદેહોને વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે પી.એમ. અર્થે ખસેડવામાં આવ્યા છે. ગામમાં મોમાઈ માતાજીનો પુંજ ઉત્સવ, વર્ષોથી ભવ્ય રીતે ઉજવાતો આવ્યો છે પરંતુ પૂર્ણાહુતિના દિવસે થયેલી આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઇ છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ