પોરબંદર, 1 ઓક્ટોબર (હિ.સ.) મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા લાભાર્થીઓના પોષણ અને આરોગ્ય માટે સતત પ્રયત્નશીલ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. બાળકો, કિશોરીઓ, સગર્ભા મહિલાઓ તથા ધાત્રી માતાઓ સુપોષિત બને તે હેતુસર તેમને આંગણવાડી કેન્દ્રો મારફતે દર મહિને વિનામૂલ્યે આપવામાં આવતું ટેક હોમ રાશન (માતૃશક્તિ, બાલશક્તિ અને પૂર્ણશક્તિ) તેમના દૈનિક પોષણની જરૂરિયાતનો એક તૃતીયાંશ ભાગ પૂરું પાડે છે.
આ અનુસંધાને “પોષણ ઉત્સવ–2025” અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ટેક હોમ રાશન (માતૃશક્તિ, બાલશક્તિ અને પૂર્ણશક્તિ), મિલેટ્સ (શ્રી અન્ન) તથા સરગવાના ઉપયોગથી બનેલી પોષણયુક્ત વાનગીઓ અંગે જાગૃતિ કેળવવાનો હેતુ છે.
પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન સેજા કક્ષાએ 1 સપ્ટેમ્બર 2025 થી 13 સપ્ટેમ્બર 2025, ઘટક કક્ષાએ 15 સપ્ટેમ્બર 2025 થી 22 સપ્ટેમ્બર 2025 દરમ્યાન કરવામાં આવ્યું હતું. તેની આગળની કડી રૂપે જિલ્લા કક્ષાનું આયોજન પોરબંદર ખાતે કરવામાં આવ્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારી બીબી ચૌધરીએ આત કે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર સતત કુપોષિત બાળકો અને ધાત્રી માતાઓને યોગ્ય સાર સંભાળ અને પોષણ મળી રહે તે માટે ચિંતા કરી રહી છે. આપણે પણ આ વિષયને ગંભીરતાથી લઈને તે દિશામાં કાર્ય કરવાનું છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે ટેક હોમ રાશન કીટએ હેતુ કુપોષિત બાળકો અને ધાત્રી માતાઓ સુધી યોગ્ય પોષણ પહોંચાડવાનો છે.
આ કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી પી બી વાઘાણી સહિત અધિકારીઓ, કર્મચારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત પ્રવચન બાદ દીપ પ્રાગટ્ય તથા મહાનુભાવોના પ્રાસંગિક પ્રવચન યોજાયા હતા. કાર્યક્રમમાં વિજેતા પ્રતિસ્પર્ધીઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર તથા પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા હતા.અંતે મહાનુભાવોએ ટેક હોમ રાશન તથા મિલેટ્સમાંથી બનેલ વિવિધ પૌષ્ટિક વાનગીઓનું નિદર્શન કરી લાભાર્થીઓને તેના ઉપયોગ માટે પ્રોત્સાહિત કર્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya