અમરેલી, 1 ઓક્ટોબર (હિ.સ.) અમરેલી જિલ્લાના વડીયા તાલુકામાં આવેલ સુરવો ડેમ હાલમાં વરસાદી માહોલને કારણે પાણીથી છલોછલ ભરાઈ ગયો છે. ડેમના એક દરવાજા ખોલાતા તેના આકાશી દૃશ્યો ડ્રોન કેમેરાની મદદથી કેદ કરવામાં આવ્યા છે, જે સોશિયલ મીડિયા પર લોકચર્ચાનો વિષય બન્યા છે.
ડ્રોન કેમેરાથી મળેલા આ દૃશ્યોમાં સુરવો ડેમમાંથી નીકળતું વહેણ, તેની આસપાસ ફેલાયેલી લીલીછમ હરિયાળી અને ડેમના મધ્યમાં ચમકતું પાણીનો અદભુત મેળાપ જોવા મળે છે. નયનરમ્ય કુદરતી સૌંદર્યથી ભરપૂર આ દૃશ્યો માત્ર સ્થાનિક જ નહીં પરંતુ દૂરથી આવતા પ્રવાસીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે.
પાણીથી ભરાયેલા ડેમના દ્રશ્યો જોઈને ગ્રામજનોમાં આનંદ છવાઈ ગયો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં વરસાદના અભાવે સુરવો ડેમમાં પાણીની તંગી જોવા મળી હતી, પરંતુ આ વર્ષે સારા વરસાદને કારણે ડેમ છલોછલ ભરાઈ ગયો છે. પરિણામે આસપાસના ગામડાંઓમાં પીવાના પાણીની તકલીફ દૂર થવા સાથે ખેડૂતો માટે સિંચાઈનું પાણી પણ ઉપલબ્ધ થશે.
ડેમની આસપાસની કુદરતી હરિયાળી અને વહેતા પાણીના મનોહર દ્રશ્યોને કેમેરામાં કેદ કરવામાં આવતા તે સોશિયલ મીડિયા પર ઝડપી વાયરલ થઈ રહ્યા છે. ઘણા યુવાનો અને ફોટોગ્રાફરો આ સ્થળે જઈને પોતાના કેમેરા અને મોબાઈલમાં આ અદભુત નજારો કેદ કરી રહ્યા છે.
સુરવો ડેમ માત્ર જળસંચયનું કેન્દ્ર જ નથી પરંતુ કુદરતી સૌંદર્યનું અનોખું આકર્ષણ પણ છે. વરસાદી માહોલ વચ્ચે આવેલા આ આકાશી દૃશ્યો લોકોને પ્રકૃતિની સુંદરતાનો જીવંત અનુભવ કરાવી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai