મહેસાણા, 1 ઓક્ટોબર (હિ.સ.)મહેસાણા જિલ્લાના વડનગર ખાતે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે, ખેતીવાડી વિભાગ દ્વારા આયોજિત ફાર્મ મિકેનાઇઝેશન સહાય વેરિફિકેશન કેમ્પની મુલાકાત લીધી. રાજ્ય સરકાર હંમેશા ખેડૂતોના હિત માટે સંવેદનશીલ છે તેવું જણાવી તેમણે પ્રાકૃતિક કૃષિ અપનાવવા ખેડૂતોને આહવાન કર્યું.
ખેતી માટે જરૂરી સાધનોની ખરીદી પર સહાય મેળવવા આઇ ખેડૂત પોર્ટલ મારફતે પારદર્શક ઑનલાઈન અરજી પ્રક્રિયા અમલમાં છે. મહેસાણા જિલ્લામાં અત્યાર સુધી કુલ 4004 ખેડૂતોએ અરજી કરી છે, જેના કેસનું વેરિફિકેશન પૂર્ણ થઈ ચૂક્યું છે. ટૂંક સમયમાં જ સહાયની રકમ સીધી લાભાર્થી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરાશે.
આ પ્રસંગે મંત્રીશ્રીએ તારની વાડ (તાર ફેન્સીંગ) યોજનાના લાભાર્થી ખેડૂતોને, પેમેન્ટ ઓર્ડર વિતરણ કર્યા હતા. મહેસાણા જિલ્લામાં આ યોજના હેઠળ કુલ 98 ખેડૂતોને રૂ. 173.37 લાખની સહાય મંજૂર કરવામાં આવી છે. આ યોજના મુજબ બે હેક્ટર કે તેથી વધુ જમીન ધરાવતા ખેડૂતોને પ્રતિ રનીંગ મીટર રૂ. 200 જેટલી સહાય મળે છે.
કાર્યક્રમ દરમિયાન સંયુક્ત ખેતી નિયામક કે.એસ. પટેલ, મદદનીશ ખેતી નિયામક હિતેશભાઈ પટેલ, નાયબ બાગાયત નિયામક નરેન્દ્રભાઈ પટેલ તેમજ વિસ્તરણ અધિકારીઓ અને વડનગર તાલુકાના ગ્રામ સેવકો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR