પાટણ, 1 ઓક્ટોબર (હિ.સ.) પાટણના માખણિયા પરામાં આવેલા ઓક્સિડેશન પોન્ડ્સ પૈકી એકનો પાળો ફરી તૂટ્યો છે, જેના કારણે નજીકના લગભગ 200 વિઘા ખેતીવાળા વિસ્તારોમાં ગંદા પાણી ફરી વળ્યા છે. આના પગલે કપાસ, બાજરી અને કઠોળ જેવા ઊભા પાકોને ભારે નુકસાન પહોંચ્યું છે. પાટણ નગરપાલિકા દ્વારા સંચાલિત આ પોન્ડ્સમાં શહેરની ભૂગર્ભ ગટરનું અંદાજે 40 MLD પાણી ઠલવાતું હોવાથી તેમની સંગ્રહ ક્ષમતા ઓછી પડી ગઈ હતી, જેના કારણે પાળો તૂટી પડ્યો.
ખેડૂત જયેશ પટેલ સહિતના અનેક ખેડૂતોએ જણાવ્યું કે છેલ્લા ઘણા મહિનાઓથી આ પોન્ડ્સની પાળીઓ વારંવાર તૂટે છે અને તેઓને આ સતત નુકસાની ભોગવવી પડી રહી છે. જોકે, પાટણ નગરપાલિકાને અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. ખેડૂતો હવે માંગ કરી રહ્યા છે કે પોન્ડ્સની આસપાસ મજબૂત દિવાલ બનાવવામાં આવે જેથી આવા ઘટનાથી બચી શકાય.
ખેડૂતોએ વધુમાં જણાવ્યું કે અગાઉ નગરપાલિકા દ્વારા આ પોન્ડ્સમાં આવતા પાણીનો અમુક હિસ્સો બહુચર પમ્પિંગ સ્ટેશન મારફતે સિંચાઈ વિભાગની કેનાલમાં છોડવામાં આવતો હતો. જેના કારણે તળાવનું લેવલ નિયંત્રિત રહેતું અને આવી સમસ્યા ઉદ્ભવતી ન હતી. હવે તે વ્યવસ્થા બંધ થતાં ખેડૂતો અને રહેવાસીઓને વારંવાર નુકસાન સહન કરવું પડી રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ