ખેત તલાવડીમાં જીઓમેમ્બ્રેન યોજના : પાણી બચત સાથે ખેડૂતોને મબલક ઉત્પાદનનો માર્ગ
અમરેલી, 1 ઓક્ટોબર (હિ.સ.) કૃષિ માટે પાણી એ સૌથી અગત્યનું સાધન છે. વરસાદ પર આધારિત ખેતીમાં અવારનવાર પાણીની અછતથી ખેડૂતોને ભારે નુકસાન ભોગવવું પડે છે. રાજ્ય સરકાર ખેડૂતોની આ સમસ્યાનો અંત લાવવા માટે ખેત તલાવડીમાં જીઓમેમ્બ્રેન યોજના અમલમાં મૂકી રહી છે.
ખેત તલાવડીમાં જીઓમેમ્બ્રેન યોજના : પાણી બચત સાથે ખેડૂતોને મબલક ઉત્પાદનનો માર્ગ


અમરેલી, 1 ઓક્ટોબર (હિ.સ.) કૃષિ માટે પાણી એ સૌથી અગત્યનું સાધન છે. વરસાદ પર આધારિત ખેતીમાં અવારનવાર પાણીની અછતથી ખેડૂતોને ભારે નુકસાન ભોગવવું પડે છે. રાજ્ય સરકાર ખેડૂતોની આ સમસ્યાનો અંત લાવવા માટે ખેત તલાવડીમાં જીઓમેમ્બ્રેન યોજના અમલમાં મૂકી રહી છે. આ યોજના અંતર્ગત ખેડૂતો પોતાના ખેતરમાં તલાવડી બનાવી તેમાં વરસાદી પાણી કે અન્ય સ્ત્રોતથી ઉપલબ્ધ પાણી સંગ્રહ કરી શકશે. સરકાર તરફથી તલાવડીમાં જીઓમેમ્બ્રેન પાથરવામાં આવશે, જેથી પાણીનો રિસાવ અટકાવી તેને લાંબા ગાળે ઉપયોગ કરી શકાય.

સાવરકુંડલા તાલુકા નોડલ અધિકારી એસ.પી. પરમારના જણાવ્યા મુજબ આ યોજના ખેડૂતો માટે અત્યંત લાભદાયી સાબિત થશે. જીઓમેમ્બ્રેન પાથરાતા પાણી લાંબા સમય સુધી સાચવાઈ રહેશે. પિયતના સમયે ખેડૂતોને પૂરતું પાણી ઉપલબ્ધ રહેતા પાકની ગુણવત્તા અને ઉત્પાદન બંનેમાં વધારો થશે. આ રીતે ખેત તલાવડી યોજના માત્ર પાણી બચાવવાનો જ ઉપાય નથી, પરંતુ ખેતીમાં સમૃદ્ધિનો માર્ગ ખોલે છે.

યોજનાની શરતો મુજબ, તલાવડીનું લઘુત્તમ કદ 15 મીટર x 15 મીટર x 3 મીટર અને મહત્તમ કદ 40 મીટર x 40 મીટર x 6 મીટર રાખવામાં આવ્યું છે. આ માટે જરૂરી જીઓમેમ્બ્રેનનું માપ 504 ચો.મીટરથી 2460 ચો.મીટર સુધીનું રહેશે. ખેડૂતોને તલાવડીનો ખર્ચ પોતાને કરવો પડશે, જ્યારે સરકાર જીઓમેમ્બ્રેનનો ખર્ચ વહન કરશે.

ખેડૂતો માટે અરજી પ્રક્રિયા સંપૂર્ણ ઓનલાઈન છે. અરજી કરવા માટે રાજ્ય સરકારની સત્તાવાર વેબસાઇટ g-talavadi.gujarat.gov.in અથવા mariyojana.gujarat.gov.in પર જવું પડશે. અરજીઓ બાદ તાલુકાવાર ઓનલાઈન ડ્રો યોજાશે અને સ્થળ ચકાસણી કર્યા બાદ અંતિમ મંજૂરી આપવામાં આવશે.આ યોજનાનો મુખ્ય હેતુ પાણી સંચય વધારવો, સિંચાઈમાં આત્મનિર્ભરતા લાવવી અને ટકાઉ કૃષિ માટે પાણીનું અસરકારક સંચાલન કરવાનું છે. પાણીની અછત દૂર થતાં ખેડૂતોને પાકનું મબલક ઉત્પાદન મળશે, જેનાથી તેમની આવકમાં વધારો થશે.

આ રીતે ખેત તલાવડીમાં જીઓમેમ્બ્રેન યોજના ખેડૂતો માટે પાણી બચત, પાકની ઉત્પાદકતા અને આર્થિક સમૃદ્ધિ તરફનું મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande