ગીર સોમનાથ 1 ઓક્ટોબર (હિ.સ.) થેલેસેમિયા એ ગંભીર વારસાગત રોગ છે, જે લોહીના રક્તકણોની ખામીને કારણે થાય છે. આ રોગની જાગૃતિ અંગે વેરાવળની સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી થેલેસેમિયા જાગૃતિ સેમિનાર અને ટેસ્ટિંગ કેમ્પ યોજાયો હતો. જેમાં રિપોર્ટ ફી માટે ઈન્ડિયન રેયોન જનસેવા ટ્રસ્ટ દ્વારા ૫૦% આર્થિક સહયોગ પ્રાપ્ત થયો હતો.
વેરાવળ સરકારી વિજ્ઞાન કોલેજના આચાર્ય ડૉ. સ્મિતા બી. છગે થેલેસેમિયા મેજર રોગ વિશે વિગતવાર માહિતી આપી, રોગના લક્ષણો, સારવાર અને તેની રાષ્ટ્રીય સ્તરે પ્રતિરોધક મહત્વની ચર્ચા કરી હતી. ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના કિરીટભાઈ ઉનડકટે આરોગ્યવિષયક માહિતી તેમજ થેલેસેમિયાની અસરો વિશે માહિતગાર કર્યા હતા. જનસેવા ટ્રસ્ટના કોમ્યુનિટી હેલ્થ અને થેલેસેમિયા જાગૃતિ પ્રોજેક્ટ્સમાં નિષ્ણાત ડૉ. વિશાલ ભટ્ટે થેલેસેમિયાની અસર પર વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.
થેલેસેમિયા જાગૃતિ સેમિનાર દરમિયાન કુલ ૩૭ વિદ્યાર્થીઓનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન આચાર્યના માર્ગદર્શન હેઠળ ડૉ. સચિન એમ. સિતાપરા અને કાજલ.એ. બારડ દ્વારા કરવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ