અમરેલી, 1 ઓક્ટોબર (હિ.સ.) અમરેલી જિલ્લાના વડીયા તાલુકામાં વીજળી ખોરવાઈ જતાં અજાણ્યા શખ્સે PGVCLના ફોલ્ટ કંટ્રોલ રૂમમાં કોલ કરીને અભદ્ર ભાષામાં ગાળો આપ્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવને પગલે PGVCLના કર્મચારીઓએ પોલીસ સ્ટેશનનો ધસારો કરી ફરીયાદ નોંધાવી છે.
માહિતી મુજબ, વડીયા મોરવાડા ફીડરના ખેતીવાડી વિભાગમાં ગઈ રાત્રે ભારે વરસાદ અને પવનને કારણે વીજળી ગુલ થઈ હતી. ખેડૂતો અને ગ્રામજનોને લાંબા સમય સુધી વીજ પુરવઠો ન મળતા અકળામણ સર્જાઈ હતી. આ દરમિયાન એક અજાણ્યા શખ્સે PGVCL કંટ્રોલ રૂમમાં કોલ કરીને સ્ટાફ સાથે અભદ્ર વર્તન કર્યું અને ગાળો આપી સ્ટાફને ધમકાવ્યો હતો.
ઘટના બાદ PGVCLના કર્મચારીઓએ તાત્કાલિક મરામત કામગીરી શરૂ કરી અને વીજળી પુનઃસ્થાપિત કરવા પ્રયત્નો કર્યા. પરંતુ અજાણ્યા કોલ ધારકે કરેલા અપમાનજનક વર્તનથી કર્મચારીઓમાં અસંતોષ ફેલાયો હતો. પરિણામે PGVCLના લાઇન ઇન્સ્પેક્ટર સહિતના કર્મચારીઓએ વડીયા પોલીસ સ્ટેશનમાં હાજરી આપી કાયદેસર ફરિયાદ નોંધાવી.
જે.એમ. રાણવા (લાઇન ઇન્સ્પેક્ટર, PGVCL વડીયા):
“ગઈ રાત્રે ભારે પવન-વરસાદને કારણે ફીડર બંધ થઈ ગયો હતો. અમારી ટીમ સતત કામ કરી રહી હતી, ત્યારે એક અજાણ્યા શખ્સે કંટ્રોલ રૂમમાં ફોન કરીને અમને અભદ્ર ગાળો આપી. આવા વર્તનથી અમારી હિંમત તૂટે છે. અમે પોલીસમાં ફરીયાદ કરી છે.”હાલ પોલીસે અજાણ્યા કોલ ધારકની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી છે અને તેની સામે કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ બનાવ પછી PGVCL સ્ટાફે ગ્રામજનોથી અપીલ કરી છે કે તકલીફ સમયે સહકાર આપવો જોઈએ, કારણ કે ટેકનિકલ ખામી દૂર કરવા માટે સમય જરૂરી હોય છે.
આ બનાવે વીજળી વિભાગના કર્મચારીઓ પ્રત્યે સહાનુભૂતિ અને માન આપવાની જરૂરિયાતને ઉજાગર કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai