મહેસાણા, 1 ઓક્ટોબર (હિ.સ.) મહેસાણા શહેરમાં ચોરીની ઘટનાઓ અટકતી નથી. તાજેતરમાં રાધનપુર રોડ પર આવેલ તિરુપતિ રોયલ બંગ્લોઝમાં રહેતા મેહુલકુમાર નટુભાઈ પટેલના ભાડે રાખેલા માલ ગોડાઉનમાં ચોરીની ઘટના સામે આવી છે. મેહુલકુમાર છેલ્લા ત્રણ વર્ષથી લક્ષ્મી સ્ટીલ નામથી ગેલ્વેનાઈઝ તથા કાળી લોખંડની પાઇપોના વેપાર સાથે સંકળાયેલા છે. તેમનો વ્યવસાયિક સામાન શહેરના એક ખુલ્લા ગોડાઉનમાં રાખવામાં આવ્યો હતો.સોમવારની સવારે લગભગ 8:30 વાગ્યે મેહુલકુમાર પોતાના મહેતાજી વિજયભાઈ સાથે ગોડાઉન પર પહોંચ્યા હતા. ત્યાં માલની ગણતરી દરમિયાન આશરે રૂ.1.75 લાખ જેટલી ગેલ્વેનાઈઝ તથા કાળી લોખંડની પાઇપો ઓછી હોવાનું માલૂમ પડતાં તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા.પછી ગોડાઉનમાં લગાવેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી. જેમાં જણાયું કે બે થી ત્રણ અજાણ્યા ચોરોએ ગોડાઉનમાં તોડફોડ કરી પ્રવેશ કર્યો હતો અને 22 ઑગસ્ટની રાત્રે 9:45 વાગ્યાથી 23 સપ્ટેમ્બરની મધરાત્રી 12:15 સુધી વિવિધ સમયે ઘુસી પાઇપોની ચોરી કરી હતી. ચોરોએ ટુકડા-ટુકડામાં માલ બહાર લઈ જતાં મેહુલકુમારને મોટી આર્થિક નુકસાની પહોંચી છે.આ બનાવ અંગે મેહુલકુમારે મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી અજાણ્યા ચોરોને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી છે. સતત ચોરીની ઘટનાઓને કારણે વેપારીઓમાં ચિંતાનો માહોલ છે, ત્યારે પોલીસના દાવા છતાં ચોરો બેફામ બનતા જતાં હોવાના પ્રશ્નો ઊભા થયા છે
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR