અમરેલી, 1 ઓક્ટોબર (હિ.સ.) અમરેલી જિલ્લાના દામનગર તાલુકાના ચભાડિયા ગામે પ્રેમ સંબંધને કારણે ઉગ્ર વિવાદ સર્જાયો હતો અને તેમાં એક યુવાનની નિર્મમ હત્યા થતા ચકચાર મચી ગઈ છે.માહિતી મુજબ, દુર્ગાબેન માંડવીયા અને તુલસીમાંડવીયાની દીકરી સાથે રવિ બાહોપીયાનો પ્રેમ સંબંધ હતો. ગઈકાલે બપોરે રવિ પોતાના ભાઈ મનીષ બાહોપીયા સાથે પ્રેમિકાના ઘરે વાતચીત કરવા પહોંચ્યો હતો. ત્યાં બંને પક્ષો વચ્ચે તીવ્ર બોલાચાલી અને મારામારી થઈ હતી. ઝઘડામાં પ્રેમીના ભાઈ મનીષે પ્રેમિકાની માતા દુર્ગાબેનને લાકડી વડે માથામાં ઘા કર્યો હતો, જેના કારણે દુર્ગાબેનને ગંભીર ઈજાઓ થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
તે દરમ્યાન ગુસ્સે ભરાયેલા પ્રેમિકાના સગીર ભાઈએ છરી વડે મનીષ બાહોપીયા પર હુમલો કર્યો હતો. પડખાના ભાગે ગંભીર ઈજાઓ થતા મનીષને તાત્કાલિક સારવાર માટે અમરેલી ખસેડવામાં આવ્યો, પરંતુ સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું. પરિણામે મામલો હત્યામાં પલટાયો હતો.પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસ બાદ પોલીસએ પ્રેમિકાની માતા દુર્ગાબેન, પિતા તુલસીભાઈ અને સગીર પુત્રની ધરપકડ કરી છે. બીજી તરફ પ્રેમિકાની માતાને થયેલી ઈજાઓને આધારે ક્રોસ ફરિયાદ પણ નોંધાઈ છે.
આ બનાવથી ગામમાં ભારે ચકચાર ફેલાઈ છે. એક તરફ યુવકના ભાઈએ પોતાના ભાઈને ગુમાવવો પડ્યો છે તો બીજી તરફ પ્રેમિકાનું કુટુંબ કાયદાની કાર્યવાહી ભોગવી રહ્યું છે.અમરેલીના ડીવાયએસપી ચિરાગ દેસાઈએ જણાવ્યું કે, “પ્રેમ સંબંધને કારણે બનેલા આ બનાવમાં આરોપી પરિવારના સભ્યોની ધરપકડ કરવામાં આવી છે. વધુ તપાસ ચાલી રહી છે અને કાનૂની કાર્યવાહી અંતર્ગત આગળના પગલા લેવામાં આવશે.”પ્રેમ સંબંધની આ ઘટના દુઃખદ અંતે પહોંચી અને એક યુવાનના ભોગ લેતાં ચભાડિયા ગામ શોકમગ્ન બન્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai