પાટણ, 1 ઓક્ટોબર (હિ.સ.) હારીજની સરકારી આર્ટ્સ અને સાયન્સ કોલેજ ખાતે નેશનલ સર્વિસ સ્કીમ (NSS) દ્વારા 'સ્વચ્છતા હી સેવા' અભિયાન અંતર્ગત સ્વચ્છતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ અને સમાજમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાનો તેમજ પર્યાવરણને સ્વસ્થ અને સ્વચ્છ રાખવાનો સંદેશ આપવાનો હતો.
NSS વિભાગના ડૉ. જીગ્નેશ પરમારના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ કોલેજ પરિસર અને આસપાસના વિસ્તારોમાં સફાઈ અભિયાન હાથ ધર્યું. વિદ્યાર્થીઓએ પ્લાસ્ટિક મુક્ત ઝોન બનાવવા માટે શપથ લીધા હતા અને પ્લાસ્ટિક કચરો એકત્રિત કરીને તેનો યોગ્ય રીતે નિકાલ કર્યો. ઉપરાંત, વિવિધ બેનરો અને સૂત્રોચ્ચારો દ્વારા લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી.
આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ ડૉ. ટેકપાલ સિંહ આનંદે જણાવ્યું કે, “સફાઈ માત્ર એક અભિયાન નથી, પરંતુ જીવનશૈલી બનવી જોઈએ.” NSS યુનિટે સમાજમાં સેવા અને જવાબદારીના ભાવ સાથે કાર્ય કરવા સંકલ્પ લીધો છે. વિદ્યાર્થીઓ અને સ્ટાફના સહયોગથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ