મહેસાણા, 1 ઓક્ટોબર (હિ.સ.) મહેસાણા શહેરમાં આ વખતે નવરાત્રી મહોત્સવ અનોખા સંગીત અને ભક્તિભાવના માહોલ સાથે ઉજવાયો. “સંસ્કાર ભારતી” દ્વારા આયોજિત આ નવરાત્રી મહોત્સવમાં પદ્મશ્રી હેમંત ચૌહાણના સુરીલા અવાજે ભક્તિમય ગરબાના રસિકો મંત્રમુગ્ધ થઈ ગયા.જય જય ગરવી ગુજરાતના સૂરો સાથે ગુંજતા ગરબામાં શહેરના યુવાનો, મહિલાઓ અને વડીલો સહભાગી બન્યા હતા. ખાસ વાત એ રહી કે હેમંત ચૌહાણે માત્ર પરંપરાગત ગરબા જ નહીં પરંતુ માતાજીના ભજનોથી પણ સૌને ભક્તિભાવથી સરોબર કરી દીધા. તેમની ગાયકીના ઝંકાર સાથે પંડાલમાં હાજર હજારો લોકો તાળીએ તાળી વગાડી આનંદમાં ઝૂમી ઉઠ્યા.નવરાત્રી મહોત્સવના આ આયોજનમાં પરંપરા અને સંસ્કૃતિનું વિશેષ સંકલન જોવા મળ્યું. પંડાલને આકર્ષક લાઇટિંગ અને સુશોભનથી સજાવવામાં આવ્યો હતો. રંગબેરંગી વસ્ત્રો પહેરી નગરજનો પરંપરાગત ગર્ભા અને ડાંડીયા સાથે માતાજીની આરાધનામાં જોડાયા.સંસ્કાર ભારતીના પ્રતિનિધિઓએ જણાવ્યું કે મહોત્સવનો હેતુ માત્ર મનોરંજન નહીં, પરંતુ નવી પેઢીને પોતાની સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે જોડવાનો છે. હેમંત ચૌહાણ જેવા ગાયકની હાજરીએ આ નવરાત્રી મહોત્સવને ભવ્યતા અને ભક્તિભાવથી ઓતપ્રોત બનાવી દીધો.આ રીતે, મહેસાણા મુકામે યોજાયેલ નવરાત્રી મહોત્સવમાં ભક્તિ, સંગીત અને સંસ્કૃતિનું અનોખું સંગમ સર્જાયો હતો. ગરબા રસિકો માટે આ રાત્રિ અવિસ્મરણીય બની રહી.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR