પાટણ, 1 ઓક્ટોબર (હિ.સ.) દશમના પવિત્ર દિવસે પાટણના શ્રી પદ્મનાભ ભગવાન મંદિર પરિસરમાં ત્રિવિધ ધાર્મિક પ્રસંગોની ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. આ પવિત્ર પ્રસંગે ભગવાન શ્રી પદ્મનાભની પલ્લી ભરવામાં આવી હતી અને મંદિરના ટીબાવાસ થડામાંથી નવનિયુક્ત મહંત તરીકે સ્વામી ઈશ્વરભાઈ હરગોવિંદદાસનું વિધિવત સ્વાગત તથા અભિનંદન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત સવારે 8 કલાકે રવાડી યાત્રાથી થઈ હતી, જેમાં શ્રી પદ્મનાભ ભગવાનની જ્યોત સ્વરૂપે રવાડી મંદિરથી પ્રસ્થાન પામી હતી. રવાડી યાત્રા વાણી-કીર્તન સાથે શ્રી ગણપતિજીના કયારે પુરૂ થઇ હતી, જ્યાં ભક્તો ભાવપૂર્વક જોડાયા હતા.
સવારે 10.30 કલાકે, ચાર થડાના મહંતો અને ભક્તોની વિશાળ હાજરીમાં શ્રી પદ્મનાભ ભગવાનની પલ્લી ભક્તિભાવથી ભરવામાં આવી હતી. સમગ્ર વિધિ અનુરાગ અને શ્રદ્ધાપૂર્વક સંપન્ન કરવામાં આવી હતી, જેમાં ભક્તો ઉમંગભેર જોડાયા હતા.
આ પ્રસંગે મંદિર ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી યશપાલ સ્વામી, દશરથ પ્રજાપતિ, રમેશ સ્વામી, ભગવાન સ્વામી, શાંતિભાઈ સ્વામી, કમલેશ સ્વામી અને વિકાસ સમિતિના સભ્યો ઉપરાંત પાટણ પ્રજાપતિ સમાજના અનેક પરિવારજનોએ હાજરી આપી ધાર્મિક ઉલ્લાસમાં વધારો કર્યો. ત્રિવિધ ધાર્મિક કાર્યક્રમોને સફળ બનાવવા ટ્રસ્ટીગણ, સેવા સમિતિના સભ્યો તથા પ્રજાપતિ સમાજના લોકોની મહત્વની ભૂમિકા રહી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ