પાટણ, 1 ઓક્ટોબર (હિ.સ.) હારીજના બહુચર માતાજીના મંદિર ચોકમાં છેલ્લા 78 વર્ષથી અનોખી પરંપરા તરીકે નવરાત્રીની આઠમના દિવસે દેશભક્તિના ગરબા રમવામાં આવે છે. આ પરંપરાની શરૂઆત દેશ આઝાદ થયા ત્યારથી થઈ હતી, જે શહીદ ક્રાંતિવીરોના સન્માનમાં શરૂ કરવામાં આવી હતી. ખેલૈયાઓ હાથમાં તિરંગા લહેરાવીને ભારત માતા કી જયના નારા લગાવતા ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા.
આ વર્ષે દેશભક્તિથી પરિપૂર્ણ ગરબા ગીતોમાં “ઓપરેશન સિંદૂર” અને “સર્જીકલ સ્ટ્રાઈક” જેવા આધુનિક દેશભક્તિના સંદેશો ઉમેરવામાં આવ્યા હતા. પરંપરાગત શબ્દો જેવી કે “ભારત માતાના પડઘમ વાગે, અંગ્રેજો ભાગે” સાથે હવે “ઓપરેશન સિંદૂર કર્યું અને પાકિસ્તાન ભાગે” જેવા નવો જોશ ઉમેરતો શબ્દપ્રયોગ જોવા મળ્યો હતો.
અગાઉ આ ગરબાનું ગાયન વસંતલાલ ઠક્કર કરતાં હતા, પણ તેમની વધતી ઉંમને કારણે હાલમાં મુકેશભાઈ ઠક્કર દ્વારા ગરબાનું ગાયન કરવામાં આવે છે. દેશી ઢોલ અને અન્ય વાજિંત્રોના સૂર પર ખેલૈયાઓ તિરંગા લહેરાવતા દેશભક્તિથી ભીંજાયેલી આ પરંપરાને જીવંત રાખી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ