ધારી પંથકમાં વરસાદ અને પવનથી કપાસ-મગફળીના પાકને નુકસાન : ખેડૂતોની સરકાર પાસે સહાયની માંગ
અમરેલી, 1 ઓક્ટોબર (હિ.સ.) અમરેલી જિલ્લાના ધારી પંથકમાં સતત વરસતા વરસાદ અને તેજ પવનના કારણે ખેતીપાકને મોટું નુકસાન થયું છે. ખાસ કરીને ગોપાલગ્રામ અને મોટી ગરમલી ગામના ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. કપાસ અને મગફળીના પાક પર પ્રકૃતિનો કહેર તૂટી પડતા
ધારી પંથકમાં વરસાદ અને પવનથી કપાસ-મગફળીના પાકને નુકસાન : ખેડૂતોની સરકાર પાસે સહાયની માંગ


અમરેલી, 1 ઓક્ટોબર (હિ.સ.) અમરેલી જિલ્લાના ધારી પંથકમાં સતત વરસતા વરસાદ અને તેજ પવનના કારણે ખેતીપાકને મોટું નુકસાન થયું છે. ખાસ કરીને ગોપાલગ્રામ અને મોટી ગરમલી ગામના ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. કપાસ અને મગફળીના પાક પર પ્રકૃતિનો કહેર તૂટી પડતા ખેડૂતોમાં નિરાશાનો માહોલ છે.

માહિતી મુજબ ભારે પવનના કારણે કપાસના પાકમાં સીધો ભૌતિક નુકસાન થયું છે. કપાસના છોડ જમીન સાથે વળી જતા અથવા તૂટી પડતા ખેડૂતોની મ્હેનત પર પાણી ફરી વળ્યું છે. બીજી તરફ સતત વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતાં મગફળીના પાકમાં ભેજ વધી ગયો છે, જેના કારણે પાંદડા પીળા પડી રહ્યા છે અને પાકમાં રોગચાળો ફેલાઈ રહ્યો છે. આ પરિસ્થિતિમાં મગફળીના દાણા કાળા પડવાની અને પાક સંપૂર્ણ રીતે નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.

ડાયાભાઇ (ખેડૂત, ગોપાલગ્રામ):

“અમે આખું વર્ષ મગફળી અને કપાસ પર ભરોસો રાખીએ છીએ, પણ હવે સતત વરસાદ અને પવનને કારણે પાક બગડ્યો છે. કપાસના છોડ પડી ગયા છે અને મગફળીમાં રોગ આવી ગયો છે. અમને ભારે નુકસાન થયું છે.”

ભીખાભાઇ ચૌહાણ (ખેડૂત, ગોપાલગ્રામ):

“સરકારે તાત્કાલિક સર્વે કરાવી અમને સહાય આપવી જોઈએ. પાક બગડવાથી આવકના બધા રસ્તા બંધ થઈ ગયા છે. આ સ્થિતિમાં સહાય વગર જીવવું અશક્ય છે.”

ધારી પંથકના ખેડૂતો હાલ કપાસ અને મગફળીના ભાવિ ઉત્પાદન અંગે ભારે ચિંતિત છે. સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરી નુકસાન પામેલા ખેડૂતોને વળતર મળે તેવી ખેડૂતો આશા રાખી રહ્યા છે. આ પરિસ્થિતિમાં સહાય જ ખેડૂતો માટે જીવદોરી સાબિત થઈ શકે છે.

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande