એસ.ટી વિભાગ દ્વારા દિવાળી પહેલા વધુ 200 બસો શરૂ કરવાનો લક્ષ્યાંક’: ગૃહ રાજ્યમંત્રી
સુરતથી GSRTCની 40 નવીન બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા વાહનવ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવી
40 નવીન બસોને લીલી ઝંડી


સુરત, 1 ઓક્ટોબર (હિ.સ.) ગૃહ, વાહનવ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વન,પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં સુરત શહેરના પીપલોદ સ્થિત કારગીલ સર્કલથી રૂ.15 કરોડના ખર્ચે ગુજરાત રાજ્ય પરિવહન નિગમ(GSRTC)ની 40 નવીન બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. જેમાં વડોદરા, ભરૂચ, વલસાડ અને સુરત એમ ચાર ડિવિઝનની 20 સુપર એક્સપ્રેસ, 5 એ.સી, 15 મિની મળી કુલ 40 નવીન બસોનો સમાવેશ થાય છે.

આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલી નવીન બસો મુસાફરોને પરિવહન સુવિધામાં વધારો કરશે. યાતાયાત સરળ બનતા મુસાફરોનો સમય અને નાણા બંનેની બચત થાય છે. રાજ્ય સરકાર જાહેર પરિવહન સેવાને ગુણવત્તાયુક્ત અને સુવિધાસભર બનાવવા સતત કાર્યરત છે.

વધુમાં તેમણે કહ્યું કે, એસ.ટી વિભાગ દ્વારા છેલ્લા 2 વર્ષમાં 2 હજારથી વધુ નવી બસો શરૂ કરાઈ છે, અને 2.15 લાખથી વધુ પ્રવાસીઓનો ઐતિહાસિક વધારો કરવામાં સફળતા મેળવી છે. તેમજ એસ.ટી વિભાગ દ્વારા દિવાળી પહેલા વધુ 200 બસો શરૂ કરવાનો લક્ષ્યાંક હોવાનું જણાવ્યું હતું. 24 કલાક મુસાફરોને ગંતવ્ય સ્થાને સુરક્ષિત પહોંચાડતા એસ.ટી. ડ્રાઈવરોની સેવાને બિરદાવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande