સુરત, 1 ઓક્ટોબર (હિ.સ.) અડાજણ, આનંદ મહેલ રોડ વિસ્તારમાં રહેતા તુષાર શાહ નામના વ્યકિતએ તેની ભેસ્તાન ભગવતીનગર ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ ખાતાના પ્લોટ બેન્કમાં માર્ગેજમાં મૂકી ત્રણ કરોડની લોન લીધી હોવા છતાંયે પ્લોટ વીવર્સ સહિત બે જણાને વેચાણ કરી તેમની પાસેથી 1.17 કરોડ પડાવી લઈ દસ્તાવેજ કરાવી નહી આપી છેતરપિંડી કરતા આખરે મામલો પોલીસમાં પહોચ્યો છે.
ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા મુજબ અલથાણ, ભીમરાડ કેનાલ રોડ, એટલેન્ટા શોપિંગ સેન્ટરની પાસે, વામા એપેક્ષમાં રહેતા અને પાવર લુમ્સના ખાતુ ધરાવતા 30 વર્ષીય સુરેશકુમાર રમેશભાઈ પટેલ અને અશ્વિન પટેલે સપ્ટેમ્બર 2023માં તુષાર મહેન્દ્ર શાહ પાસેથી તેમના ભેસ્તાન, ભગવતીનગર ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ ખાતાના બે પ્લોટ ખરીદ્યા હતા. જેમાં સુરેશભાઈએ 70.50 લાખની સામે ૫૯ લાખ જયારે અશ્વિન પટેલએ 58 લાખ રોકડ અને ચેકથી ચુકવી આપ્યા હતા. તુષાર શાહએ બંને જણાને સાટાખત બનાવી આપ્યા હતા. જેમાં પ્લોટના ટાઈટલ ચોખ્ખા અને માર્કેટેબલ હોવાનો ઉલ્લેખ કર્યો હતો. સુરેશભાઈ સહિત બંને જણાએ પ્લોટના દસ્તાવેજ બનાવી આપવા માટે અનેકવાર કહેવા છતાંયે દસ્તાવેજ બનાવી આપતા ન હતા. તપાસ કરતા તુષાર શાહે આ બંને પ્લોટ ઉપર એક્સીસ બેન્કમાંથી 3 કરોડની સીસી લોન લીધી હતી. જે હકીકત બંને જણા સાથે છુપાવી રાખી મિલ્કત વેચાણ કરી શકાય ન હોવા છતાંયે તેમને વેચાણ કરી પૈસા પડાવી દસ્તાવેજ કરી નહી આપી છેતરપિંડી કરી હોવાનુ બહાર આવતા ગતરોજ ફરિયાદ નોધાવતા ક્રાઈમ બ્રાન્ચે સુરેશભાઈની ફરિયાદને આધારે તુષાર શાહ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે