સુરત, 1 ઓક્ટોબર (હિ.સ.) શહેરના રુસ્તમપુરા વિસ્તારમાં રહેતા યુવકની નાનપુરા કાકાજી સ્ટેટ મોહલ્લામાં ઓફિસ આવેલી છે. બે દિવસ અગાઉ રાત્રીના સમયગાળા દરમિયાન તેમની ઓફિસ બંધ હતી ત્યારે કોઈ અજાણ્યા ચોર ઈસમોએ તેમની ઓફિસને નિશાન બનાવી હતી અને ઓફિસનું તાળું તોડી નાખી ઓફિસમાં પ્રવેશ કરી ઓફિસમાંથી લેપટોપ તથા ચાર્જર સહિતની વસ્તુઓ મળી રૂપિયા 1.10 લાખની ચોરી કરી હતી. આ ઉપરાંત તેમની જ કોમ્પ્લેક્સમાં અન્ય એક ઓફિસમાંથી પણ તસ્કરો રૂપિયા 12,000 ના મોબાઈલની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. જેથી અઠવા પોલીસે રૂપિયા 1.22 લાખની ઘરફોડ ચોરીનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
રુસ્તમપુરા વિસ્તારમાં આવેલ દહેલા સ્ટ્રીટમાં રહેતા ઝઈમઉલ્લાહ મુનઈમઉલ્લાહબ ખતીબ એ ગતરોજ રોજ અઠવા પોલીસ મથકમાં રૂપિયા 1.22 લાખની ઘરફોડ ચોરીની ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં તેઓએ જણાવ્યું હતું કે નાનપુરા વિસ્તારમાં કાકાજી સ્થિત મોહલ્લામાં નોક્ષ ચેમ્બર કોમ્પ્લેક્સ માં તેમની 401 નંબરમાં ઓફિસ આવેલી છે. ગત તારીખ 29/9/2025 ના રોજ રાત્રે 9:00 વાગ્યાના અરસામાં તેઓ પોતાની ઓફિસ બંધ કરી તાળું મારીને ઘરે પરત આવી ગયા હતા. જો કે બીજા દિવસે સવાર સુધીના સમયગાળા પહેલા કોઈ અજાણ્યા ચોરી સમયે તેમની ઓફિસનો તાળું તોડી નાખી ઓફિસમાં પ્રવેશ કરી ચોરી કરી હતી. જેમાં તસ્કરો ઓફિસમાંથી એપલ કંપનીનું લેપટોપ તથા ચાર્જર અને હેડફોન માઉસ સહિતની રૂપિયા 1.10 લાખની ચોરી કરી પલાઈન થઈ ગયા હતા. આ દરમિયાન ઝઈમઉલ્લાહ ખતીબ ને માલુમ પડ્યું હતું કે તેમના જ કોમ્પ્લેક્સ માં ઓફિસ ધરાવતા રાજેન્દ્રભાઈ ડાહ્યાભાઈ જાદવાણીની ઓફિસ નંબર 504 માં પણ તસ્કરોએ હાથ ફેરો કર્યો છે. તેમની ઓફિસમાંથી તસ્કરો રૂપિયા 12000 ની કિંમત નો મોબાઇલ ચોરી ગયા હતા. જેથી પોલીસે બંને ઓફિસમાંથી કુલ રૂપિયા 1.22 લાખની ચોરીનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે