પોરબંદર, 1 ઓક્ટોબર (હિ.સ.) પોરબંદરના દરિયામાં પીલાણું(નાની બોટ) ખરાબ હવામાનને લીધે પલ્ટી મારી જતા બે ખલાસીના ડૂબી જવાથી મોત થતા છે જયારે ત્રણ ખલાસી તરી બહાર નીકળ્યા છે. ઈજાગ્રસ્ત ખલાસીઓ હાલ સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
પોરબંદરના બંદર પરથી માછીમારો માછીમારી કરવા નીકળે છે. 24 ના રોજ જય ખેતલીયા દાદા નામનું પીલાણું(બોટ) માછીમારી કરવા પાંચ ખલાસીઓ સાથે નીકળ્યું હતું દરિયામાં હાલ વાતાવરણ ખરાબ હોય બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાડયું છે. ભારે પવન ફૂંકાવાની સંભાવનાઓ છે ત્યારે જય ખેતલીયા નામના પીલાણાનું પેટ્રોલ 29 સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થઈ જતા બોટ એન્કર પર મુકવામાં આવી હતી દરિયાઈ મોજા અને ખરાબ વાતાવરણને લીધે એન્કર પર બોટ રહી નહિ અને બોટ ફંગોળાઈને માધવપુરના દરિયા નજીક પહોંચી હતી આ દરમિયાન ભારે કરંટના લીધે બોટ પલ્ટી મારી ગઈ હતી જેના લીધે પાંચ ખલાસીમાંથી શશીભાઈ સોલંકી અને મંગાભાઇ ચાવડાનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું જયારે દરિયામાં ભારે કરંટ વચ્ચે મોત સાથે બાથ ભીડી દરિયામાં કલાકો સુધી તરી માધવપુરના દરિયે બહાર ત્રણ ખલાસીઓ નીકળ્યા હતા. જેમાં ઈજાગ્રસ્ત ખલાસીઓને પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે જેમાં લોઢારી હાજા, પાંજરી તુલસીભાઈ તેમજ સંજયભાઈ ચૌહાણ હાલ સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya