સુરત , 1 ઓક્ટોબર (હિ.સ.) સુરત જિલ્લામાં ચાલી રહેલી પોસ્ટકાર્ડ ઝુંબેશ અંતર્ગત ચોર્યાસી તાલુકાના મલગામાની ધી મલગામા સહકારી મહિલા દૂધ ઉત્પાદક મંડળીના મહિલા સભાસદોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોસ્ટકાર્ડ લખીને જનહિતના નિર્ણયો બદલ આભાર વ્યક્ત કર્યો છે.
મંડળીના સભાસદ અને મહિલા પશુપાલક સુમનબેન પટેલે જણાવ્યું કે, સરકારના સહકારથી ગ્રામીણ વિસ્તારમા રહેતી બહેનો સમૃધ્ધ બની છે. વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ લેવાયેલા GSTના પરિવર્તનકારી નિર્ણયો અને નીતિઓથી ગામડાની બહેનો સશક્ત બની છે. દિવાળી પહેલા GST દર ઘટતા વસ્તુઓ સસ્તી થઈ છે અને તેના ફાયદાથી આર્થિક બચતની પણ શરૂઆત થઈ છે.
વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ સહકાર મંત્રાલયની સ્થાપના થવાથી ગ્રામીણ અર્થતંત્રને વેગ મળ્યો છે. ખેડૂતોને ગ્રામ્ય કક્ષાએ જ જરૂરી તમામ સુવિધાઓ ઘરઆંગણે મળતી થવાથી ખેડૂતોને સમય અને પૈસા બંનેની બચત થાય છે. આ નિર્ણયોને કારણે સહકારી મંડળીઓ વધુ સશક્ત બનીને આગળ આવી રહી છે. સુમનબેને વધુમાં કહ્યું હતું કે, આ બદલાવ લાવીને વડાપ્રધાન મોદીએ ગ્રામીણ અર્થતંત્રને નવી શક્તિ આપી છે. આ તમામ પરિવર્તનકારી નીતિઓ માટે તેમણે વડાપ્રધાનનો અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો .
કેન્દ્ર સરકારે GSTમાં કરાયેલા સુધારાઓએ વેપાર અને ઉદ્યોગોને વધુ સરળ અને પારદર્શી બનાવ્યા છે. GST ઘટવાથી વસ્તુઓની કિંમત ઓછી થઈ છે, જેનાથી ગ્રાહકોની ખરીદ શક્તિમાં વધારો થયો છે. આના પરિણામે દુકાનદારોની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. વધુમાં, GST સુધારાથી ખેતીના કામમાં પણ ઘણી સરળતા થઈ છે. આ સુધારાઓ દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થયા છે.
વડાપ્રધાનએ 'ઘર ઘર સ્વદેશી'ના સંદેશ સાથે ગામડાઓમાં સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપીને આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવાની પહેલ કરી છે.
આ પ્રસંગે સંયુક્ત રજિસ્ટ્રાર સુરેખા વસાવા, જિલ્લા રજિસ્ટ્રાર (સહકારી મંડળીઓ)-સુરત હરેશ કાછડ, મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર મિલન દુધાત, સુમુલ ડેરીના ઝોનલ અધિકારી કેતન પટેલ, ચોર્યાસી તાલુકા કોર્ડીનેટર નિલેશ ત્રિવેદી, મલગામા સહકારી મહિલા દૂધ ઉત્પાદક મંડળીના સભાસદોએ વડાપ્રધાનશ્રી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી પોસ્ટકાર્ડ લેખન ઝુંબેશમાં ઉપસ્થિત રહ્યા હતા.
સુરત જિલ્લાની દૂધ મંડળીઓના સભાસદોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સહકાર ક્ષેત્રે કરેલી પહેલ બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે પોસ્ટકાર્ડ ઝુંબેશ અંતર્ગત સુરત-તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ સુમુલ ડેરી સુરત સંલગ્ન એક હજારથી વધુ મંડળીઓના 4,53,400થી વધુ સભાસદોએ પ્રધાનમંત્રીને સંબોધીને ખાસ કરીને સહકાર મંત્રાલયની સ્થાપના, સહકારી ક્ષેત્રમાં કરવામાં આવેલા સુધારા, જીએસટીમાં રાહતો તથા સ્વદેશી ચળવળને પ્રોત્સાહન આપવાના પ્રયાસો બદલ આભાર વ્યક્ત કરતા પત્રો અત્યારસુધીમાં લખીને મોકલી આપ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે