ગાંધીનગર, 12 ઓક્ટોબર (હિ.સ.): 7 ઓક્ટોબર 2025ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 24 વર્ષ પૂર્ણ થયા છે. વિકાસના આ સીમાચિહ્નરૂપ અવસરની ઉજવણી કરવા માટે દર વર્ષે 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે, જે અંતર્ગત 12-13 ઓક્ટોબરે શહેરી વિકાસ દિવસની ઉજવણી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાનએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં 2005માં શહેરી વિકાસ વર્ષ ઉજવણીથી આયોજનબદ્ધ શહેરી વિકાસનો પાયો નાખ્યો હતો.
આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત શહેરીકરણની દિશામાં હરણફાળ ભરી રહ્યું છે. વર્લ્ડ ક્લાસ સિટી ડેવલપમેન્ટને વેગ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા 2025નું વર્ષ ‘શહેરી વિકાસ વર્ષ’ તરીકે ઊજવવાની જાહેરાત કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના શહેરી વિસ્તારોમાં રહેતા ગરીબ અને નીચલા મધ્યમ વર્ગના પરિવારોને પોતાના સ્વપ્નનું ઘર આપવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) જેવી મહત્વપૂર્ણ યોજના અમલી બનાવી છે, અને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ યોજનાના અમલીકરણમાં ગુજરાત દેશનું અગ્રેસર રાજ્ય છે.
રાજ્યના શહેરી વિસ્તારોના ગરીબોને મળ્યું સપનાંનું ઘર, 9.09 લાખથી વધુ આવાસોનું નિર્માણ થયું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્રઢપણે એવું માને છે કે, શહેરી વિકાસ એ ફક્ત માળખાકીય વિકાસ નથી, પરંતુ દરેક નાગરિકના જીવનસ્તરને ઊંચે લઈ જવાનો માર્ગ છે. આ ધ્યેયને સાર્થક કરતાં તેમણે વર્ષ 2015માં શહેરી વિસ્તારના ગરીબોને ઘરનું ઘર અપાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ની શરૂઆત કરી હતી. વડાપ્રધાનશ્રીએ આ યોજના હેઠળ અનેક લોકોને આવાસની સુવિધા પૂરી પાડીને તેમના ચહેરા પર સ્મિત લાવ્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ રાજ્યમાં 9.09 લાખથી વધુ આવાસોનું નિર્માણકાર્ય સંપન્ન થયું છે, જે એક નોંધપાત્ર સિદ્ધિ છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ના અમલીકરણમાં અગ્રેસર ગુજરાત
ગુજરાત પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ના અમલીકરણમાં ગુજરાત અગ્રેસર રાજ્ય છે. PMAY (શહેરી)ના ક્રેડિટ લિંક સબસીડી ઘટક હેઠળ 6 લાખથી પણ વધુ લાભાર્થીઓને તેમના પ્રથમ આવાસ પર લીધેલ લોન પર વ્યાજ સહાયનો લાભ અપાવવામાં ગુજરાત દેશમાં અન્ય રાજ્યોની સરખામણીમાં અગ્રસ્થાને છે.
આ ઉપરાંત, કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2020માં આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ કોમ્પ્લેક્સિસ (ARHCs) યોજના હેઠળ શહેરી ગરીબો અને કામદારોને સસ્તા ભાડાના આવાસો પૂરા પાડવા માટે જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત થયાના ત્રણ જ માસમાં ગુજરાતના સુરત શહેરના સુડા વિસ્તારમાં નિર્માણ થયેલ 393 આવાસોને મોડેલ-01 અંતર્ગત ભાડાના મકાનોમાં રૂપાંતરિત કરીને પ્રોજેક્ટની મંજૂરી મેળવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે.
ગ્લોબલ હાઉસિંગ ટેક્નોલોજી – ઇન્ડિયાના લાઇટ હાઉસ પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર ભારતમાંથી 6 રાજ્યોની પસંદગી કરવામાં આવી હતી, જેમાંથી ગુજરાત રાજ્યના રાજકોટ શહેરની પસંદગી કરવામાં આવી હતી. રાજકોટમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત મોનોલિથિક કોન્ક્રીટ કન્સ્ટ્રક્શન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને EWS-2 પ્રકારના 39.77 ચોરસ મીટર કાર્પેટ એરિયા ધરાવતા કુલ 1144 આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) માટે ગુજરાતને અત્યારસુધીમાં કુલ 14 એવોર્ડ
વર્ષ 2017માં કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને ક્રેડિટ લિંક સબસીડી હેઠળ પ્રથમ સ્થાન એનાયત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વર્ષ 2019માં કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને પીએમ આવાસ માટે 3 એવોર્ડ આપવામાં આવ્યા હતા, તેમજ BLC ઘટક અંતર્ગત ગુજરાત રાજ્યના 3 લાભાર્થીઓને બેસ્ટ હાઉસ કન્સ્ટ્રકશન કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા હતા. ત્યારબાદ, વર્ષ 2022માં કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) માટે 7 વિવિધ કેટેગરીમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આમ, પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ ગુજરાતને અત્યારસુધીમાં કેન્દ્ર સરકાર દ્વારા કુલ 14 એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) 2.0
પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ની સફળતાના પરિણામે સપ્ટેમ્બર 2024થી પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) 2.0 હાઉસિંગ ફોર ઓલ મિશનની જાહેરાત કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ભારતભરમાં આગામી 5 વર્ષમાં (2024–2029) 1 કરોડ પાકાં ઘરો બાંધવાની યોજના છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) 2.0 અંતર્ગત અફોર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશિપ (AHP), બેનિફિશ્યરી લેડ કંસ્ટ્રક્શન (BLC), ઈન્ટરસ્ટ સબસિડી સ્કીમ (ISS), એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ (ARH) ઘટક હેઠળ વ્યક્તિ લાભ લઈ શકે છે. યોજના અંતર્ગત રાજ્યમાં કુલ 29,821 જેટલા આવાસો મંજૂર કરવામાં આવ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ