પોરબંદર, 12 ઓક્ટોબર (હિ.સ.): પોરબંદર જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત વિકાસ રથ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં 24 વર્ષના વિકાસપ્રયાસોની ગાથા શોર્ટ ફિલ્મ દ્વારા દર્શાવવામાં આવી રહી છે. આ અવસર પર આજે બખરલા ગામ ખાતે ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં વિકાસ સપ્તાહ ઉજવણીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.
ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વ હેઠળ ગુજરાતે અદભૂત વિકાસના નવા શિખરો સર કર્યા છે. રણોત્સવ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સેમિકન્ડક્ટર ઉદ્યોગ, ધોલેરા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અને લોક કલ્યાણકારી યોજનાઓ વિકાસના કાર્યોથી રાજ્યમાં રોજગાર અને પ્રવાસન સહિતનાં ક્ષેત્રે નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે.તેમણે જણાવ્યું હતું કે પોરબંદર જિલ્લામાં આધુનિક આરોગ્યસુવિધાઓ ઉપલબ્ધ થાય તે હેતુસર મેડિકલ કોલેજ ખાતે રૂ. 300 કરોડના ખર્ચે અદ્યતન કેન્સર વોર્ડનું નિર્માણ ચાલી રહ્યું છે. જિલ્લા માર્ગ સુવિધાઓ સુધારવા માટે પણ અનેક માર્ગો મંજૂર કરવામાં આવ્યા છે, જેથી નાગરિકોને અવરજવર સુવિધાજનક બને.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે જિલ્લામાં પ્રવાસન ક્ષેત્રે વિકાસ થાય તે માટે બરડા સફારી પાર્ક કાર્યરત છે, જ્યારે વિસાવાડા બીચ ડેવલપમેન્ટ, બરડા સર્કિટ અને જુના મંદિરોના વિકાસ જેવા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહ્યા છે. અને જિલ્લામાં વીજ સુધારણા, ગ્રામ્ય માર્ગો, શિક્ષણ સુવિધાઓ, ઇન્ડોર સ્ટેડિયમ, આધુનિક લાયબ્રેરી, એરપોર્ટ અને રેલવે કોચ મેઇન્ટેનન્સ સહિતના વિવિધ વિકાસકાર્યો કામો પણ ઝડપથી હાથ ધરવામાં આવી રહ્યા છે.
અગ્રણી અરસીભાઈ ખૂટીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે લોકોની સુખાકારી માટે અનેક લોકકલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે. તેમણે જિલ્લામાં થયેલા સર્વાંગી વિકાસ માટે સંતોષ વ્યક્ત કર્યો હતો.
આ અવસર પર બખરલા ગામમાં પહોંચેલા વિકાસ રથનું ગ્રામજનો અને અગ્રણીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રથ મારફતે વિકાસલક્ષી શોર્ટ ફિલ્મનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
મહાનુભાવોના હસ્તે પાંડાવદર, બોરીચા, કોલીખડા અને બખરલા ગામોના રૂ. 40 લાખથી વધુના 17 કામોનું લોકાર્પણ તથા રૂ. 63 લાખથી વધુના 23 કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિવિધ યોજનાઓ હેઠળ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ, આઈસીડીએસ યોજના અને એનઆરએલએમ અંતર્ગત સખી મંડળને રૂ. 3 લાખની કેશ ક્રેડિટ સહાય વિતરણ કરવામાં આવી હતી. અને અંતમાં ગ્રામજનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “વિકસિત ભારત”ના સંકલ્પને સાકાર કરવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે પોરબંદર તાલુકા પંચાયત પ્રમુખ લીરીબેન ખૂટી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયા, માર્ગ મકાન વીભાગ પંચાયતના કાર્યપાલક ઈજનેર પિયુષ સિગરખીયા, બોરીચા સરપંચ પરબત ઓડેદરા, અગ્રણી અરસીભાઈ ખૂટી, કોરીખડાના અગ્રણી રાજુભાઈ હુણ સહિતના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya