ગીર સોમનાથ 2 ઓક્ટોબર (હિ.સ.) ગીર સોમનાથ સમગ્ર રાજ્ય સહિત ગીર સોમનાથ જિલ્લો પણ વિકાસ સપ્તાહની ઉજવણીમાં સહભાગી બન્યો છે. જેના ભાગરૂપે કોડીનાર તાલુકાના આલીદર ગામમાં વિકાસ સપ્તાહ અંતર્ગત વિવિધ ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યાં હતાં.
મહાનુભાવોના હસ્તે આલીદર જિલ્લા પંચાયત સીટમાં સમાવિષ્ટ કુલ ૧.૨૦ કરોડના ૬૪ લોકાર્પણના કામો તેમજ ૧૧.૫૫ લાખના ૦૯ કામોના ખાતમૂહુર્ત કરવામાં આવ્યાં હતાં.
કાર્યક્રમમાં લાભાર્થીઓને મંચસ્થ મહાનુભાવોના હસ્તે વિવિધ સરકારી યોજનાઓના લાભ એનાયત કરવામાં આવ્યા હતા. આ સાથે જ લાભાર્થીઓએ પોતાની પ્રેરણાત્મક સાફલ્ય ગાથાઓ પણ રજૂ કરી હતી.
વિકાસ રથના માધ્યમથી ગામના નાગરિકોને રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અમલીકૃત વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓથી માહિતગાર કરવા માટે શોર્ટ ફિલ્મ્સના માધ્યમથી ગ્રામજનોમાં વિવિધ યોજનાઓ અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી.
આ શુભ અવસરે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને હાથોહાથ લાભો પહોંચાડવામાં આવ્યા હતાં. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સર્વેએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી.
આ અવસરે નગરપાલિકાના ઉપપ્રમુખ શિવાભાઈ સોલંકી, યુનિયન બેંકના ચેરમેન પ્રતાપભાઇ ડોડીયા, જિલ્લા પંચાયતના સભ્ય મણીબેન વાજા, તાલુકા ન્યાય સમિતી ચેરમેન રાજેશ ભાસ્કર, મામલતદાર ટી.ડી.ઓ બી.આર. બગથરિયા, તાલુકા વિકાસ અધિકારી અગ્રણી વિશાલભાઈ ગાધે, જીતુ બારડ તેમજ ગામના સરપંચશ્રીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ