ગાંધીનગર, 12 ઓક્ટોબર (હિ.સ.): નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન (NRLM) યોજના હેઠળ સ્વ-સહાય જૂથોની મહિલાઓને નાણાકીય સાક્ષરતાની તાલીમ અને માર્ગદર્શન મળી રહે તેવા શુભ હેતુથી દસ્ક્રોઈ તાલુકાના પીરાણા ગામે ગ્રામ હાટમાં 'સક્ષમ સેન્ટર'નો શુભારંભ કરવામાં આવ્યો.
આ પહેલથી ગ્રામીણ મહિલાઓ આર્થિક વ્યવહારોમાં વધુ સક્ષમ બનશે. આ સાથે જ, ગ્રામીણ વિકાસ પ્રવૃત્તિઓને વેગ આપવા માટે મિરોલી ક્લસ્ટર લેવલ ફેડરેશન(CLF)ની ઑફિસનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
સક્ષમ સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગે વિવિધ બેન્કિંગ અને વીમા ક્ષેત્રના પ્રતિનિધિઓ જેમ કે, ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સના ડીજીએમ સુજાતાબહેન, LICના ડેવલપમેન્ટ ઑફિસર મનોજકુમાર મીના અને સુશ્રી રશ્મિકા રાણા, તથા SBI ક્લસ્ટર ફેડરેશન કાઉન્સિલર પિનાકીન દવે દ્વારા બહેનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ઉપરાંત, બહેનોને બેન્કિંગ અને વીમાને લગતી વિવિધ યોજનાઓ વિશે તેમજ NRLM યોજનાની વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ સેન્ટર દ્વારા બહેનોને નાણાકીય વ્યવસ્થાપનમાં મદદ મળશે તેવી જાણકારી આપવામાં આવી હતી.
વધુમાં, પીરાણા આરોગ્યધામના ડૉક્ટર સ્મૃતિ ઠક્કરે ગામની બહેનો અને તેમના પરિવારજનોમાં તમાકુની કુટેવના નકારાત્મક પ્રભાવો વિશે સમજણ આપી હતી. તેમણે તમાકુના કારણે ઉદ્ભવતી આરોગ્ય સમસ્યાઓ, કૌટુંબિક પ્રશ્નો અને આ પરિબળોની આજીવિકા પર થતી અસર વિશે માર્ગદર્શન આપ્યું હતું. આ કુટેવ છોડવા માટે વિભાગ દ્વારા પૂરી પાડવામાં આવતી સહાયક સેવાઓ વિશે પણ માહિતી આપીને જાગૃતિ ફેલાવી હતી.
આ પ્રસંગે પીરાણા ગામના સરપંચ નરેશભાઈ ડાભી, તલાટી, ભૂતપૂર્વ સરપંચ અજયભાઈ બારૈયા, મિરોલી CLFના સભ્યો તથા સખી મંડળની બહેનો, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA), અમદાવાદ તરફથી જિલ્લા લાઇવલીહુડ મેનેજર ભૂપેન્દ્રભાઈ અને આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર શ્યામ મોહનસિંહ, પરેશભાઈ ગઢવી, સુરેશભાઈ પટેલ સહિતનો સ્ટાફનાં લોકો હાજર રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ