જુનાગઢ, 12 ઓક્ટોબર (હિ.સ.): સરદાર પટેલ સભાગૃહ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, મોતીબાગ પરિસર, જૂનાગઢ ખાતે આગામી તા.૧૪ અને ૧૫ ઓક્ટોબરના રોજ આમ બે દિવસ માટે રવિ કૃષિ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. જેમાં સાંસદ સભ્ય, ધારાસભ્ય સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં કૃષિ વૈજ્ઞાનિક સંવાદ, પ્રગતિશીલ ખેડૂતો સાથે સંવાદ, મુખ્યમંત્રીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ, વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાયના ચેકનું વિતરણ સહિત કૃષિ પ્રદર્શન સ્ટોલનું પ્રદર્શન અને વેચાણ આમ બહુવિધ આયામોમાં આ કાર્યક્રમ યોજાશે.
આ ઉપરાંત ઉક્ત સમારોહ દરમિયાન બાગાયતી પાકોનું વેચાણ, પ્રાકૃતિક કૃષિની પ્રોડક્ટસનું વેચાણ, અન્ન/ મીલેટસનું વેચાણ, એફ.પી.ઓ.નું વેચાણ, ડ્રોન ટેકનોલોજીનું પ્રત્યક્ષ નિર્દશન, ફર્ટીલાઈઝરના ઉપયોગ અંગે જાગૃતિ વધારવી, ગાય આધારિત ખેતીનિ સમજણ, જીવામૃત, બીજામૃત, ઘનામૃત, નીમાસ્ત્ર વગેરેના લાઈવ સ્ટોલ, જમીન ચકાસણી, કિસાન ક્રેડીટ કાર્ડ, પશુપાલન વિભાગ દ્વારા પશુ આરોગ્ય તપાસણી અને નિદાન કેમ્પ, ઓનલાઇન ઈ.કે.વાય.સી., સેલ્ફ રજીસ્ટ્રેશન, પ્રધાનમંત્રી કિસાન યોજનાની માહિતી, ખેત ઓજારોની માહિતી આમ વિવિધ પ્રકારની માહિતી દર્શાવતા સ્ટોલ લગાવવામાં આવશે. આ સાથે જ ખેતીને લગત તમામ ચીજ વસ્તુઓનું એક જ સ્થળે રાહત દરે વેચાણ પણ કરવામાં આવશે.
આ પ્રકારના કાર્યક્રમોમાં જૂનાગઢ જિલ્લાના મહતમ ખેડૂતો ભાગ લે તે ઇચ્છનીય છે. આ માહિતી બદલ સહયોગ રાજ્ય સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા પ્રાપ્ત થયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ