મહેસાણા, 12 ઓક્ટોબર (હિ.સ.): મહેસાણા જિલ્લાના મોઢેરા ગામે સમગ્ર દેશમાં એક અનોખું સ્થાન મેળવ્યું છે, કારણ કે તે ભારતનું પ્રથમ સોલાર વિલેજ છે. વર્ષ 2019માં શરૂ થયેલી આ યોજનાથી ગામના લગભગ 80 ટકા ઘરોમાં 1 કિલોવોટ ક્ષમતાના સોલર પેનલ્સ સ્થાપિત થયા છે. હવે ગામના લોકો વીજળીના બિલથી સંપૂર્ણપણે મુક્ત થયા છે અને દર મહિને 1500 રૂપિયા જેટલી બચત કરી રહ્યા છે. ચેતનાબેન પટેલ જણાવે છે કે, હવે વીજળીના બિલની ચિંતા રહી નથી, વિપરીત રીતે બચેલી વીજળી ગ્રિડમાં મોકલાતી હોવાથી તેના બદલામાં રૂપિયા ખાતામાં જમા થાય છે.
આ સોલર પ્રોજેક્ટથી ઘરેલુ ખર્ચમાં રાહત તો મળી જ છે, સાથે પર્યાવરણપ્રેમી ઊર્જાનો ઉપયોગ પણ વધ્યો છે. શાળા, મંદિર અને સ્ટ્રીટલાઇટ્સ પણ હવે સૂર્ય ઉર્જાથી ચાલે છે. મોઢેરાના રહેવાસીઓ કહે છે કે પેનલ્સની સાચવણી સરળ છે અને આખું વર્ષ સતત વીજળીનો પુરવઠો રહે છે. આ પહેલથી મોઢેરા ગામ માત્ર ઊર્જા સ્વાવલંબનમાં નહીં, પરંતુ ગ્રીન એનર્જી પ્રત્યે જાગૃત બનવાનું પ્રતિક બની ગયું છે. મોઢેરા આજે એ સાબિત કરે છે કે જો સરકાર અને લોકો મળીને કામ કરે, તો ગામડાં પણ આધુનિકતાની દિશામાં આગળ વધી શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR