ડાંગ , 12 ઓક્ટોબર (હિ.સ.)-ડાંગ જિલ્લામાં આજે સવારે સુબીરથી મહાલ તરફ જતા માર્ગ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. દેહર ગામ નજીક એક પિકઅપ ગાડી અચાનક બેકાબૂ બની પલટી જતાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ દુઃખદ મોત થયું હતું, જ્યારે છ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે.
પ્રાથમિક માહિતી મુજબ, પિકઅપમાં અંદાજે 20 જેટલા મુસાફરો સવાર હતા, જે સૌ ઇશખંડી ગામના રહીશો હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતમાં 55 વર્ષીય એક પુરુષનું મોત નીપજ્યું હતું. ઇજાગ્રસ્ત છ મુસાફરોને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક આહવા સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે, જ્યારે નાની-મોટી ઈજાઓ ધરાવતા અન્ય લોકોને સુબીર કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતાં જ સુબીર પોલીસ સ્ટેશનના પીઆઈ તથા ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે તેમજ અકસ્માતના કારણોને લઈને તપાસ શરૂ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે