ગાંધીનગર, 12 ઓક્ટોબર (હિ.સ.): રાજ્યમાં વિકાસની વ્યાખ્યા હવે ઉદ્યોગો કે માળખાગત સુવિધાઓ સુધી સીમિત ન રહીને જમીન સાથે જોડાયેલા ખેડૂતોની આર્થિક ઉન્નતિમાં પણ રહેલી છે. રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણી આવા ખેડૂતોની આર્થિક ઉન્નતિ અને સમૃદ્ધિ થકી અન્યોને પ્રોત્સાહિત કરવાનો અવસર છે.
રાજ્યમાં પ્રાકૃતિક અને નવીન કૃષિનો વ્યાપ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. વધુ ને વધુ ખેડૂતો આજે ફળ પાકો, શાકભાજી પાકો અને નવીન કૃષિમાં સારા પરિણામો મેળવી રહ્યા છે. રાજ્ય સરકારની વિવિધ સહાય યોજનાઓ થકી આજે ખેડૂતો સમૃદ્ધિના શિખરો સર કરી રહ્યા છે.
રાજ્ય સરકારની બાગાયતલક્ષી યોજનાઓએ સાણંદના ચેખલાં ગામના ખેડૂત જશુભા વાઘેલાને મધપાલન માટે પીઠબળ પૂરુ પાડ્યું છે. સરકારી યોજનાઓની સહાય અને ખેડૂતની દૃઢ ઇચ્છાશક્તિના સમન્વયથી ખેડૂતો સંઘર્ષથી સમૃદ્ધિ સુધીના સફળ પરિવર્તનનો વિકાસ જોઈ શકે છે એ જશુભાએ સાબિત કર્યું છે.
જશુભા વાઘેલાનો, પરંપરાગત ખેતીનો સંઘર્ષ અને નવી દિશા-
જશુભા વાઘેલા વર્ષો સુધી ઘઉં અને શાકભાજીની પરંપરાગત ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. જોકે, અસ્થિર આબોહવા અને ખેતીના ઊંચા ખર્ચને કારણે તેમની મહેનત પ્રમાણે તેમને સંતોષકારક નફો મળતો નહોતો. આ આર્થિક સંઘર્ષના સમયગાળામાં જશુભાએ એક નવી દિશા શોધવાનું નક્કી કર્યું. તેમણે સરકારી વિભાગ દ્વારા ઉપલબ્ધ માહિતીનો સહારો લીધો અને બાગાયત ખાતા પાસેથી મધમાખી પાલન વિશે વિસ્તૃત માહિતી મેળવી. તેમણે ખાદી ગ્રામોદ્યોગમાંથી વિશેષ તાલીમ લઈને આ વ્યવસાયનો પાયો નાખ્યો.
સરકારી યોજનાકીય સહાયનું પીઠબળ: મધમાખી પાલનની મધુર સફળતા-
જશુભાએ શરૂઆતમાં ૧૦ પેટીઓમાં નાનું રોકાણ કર્યું. પરંતુ, તેમના આત્મવિશ્વાસ અને બાગાયત વિભાગના સક્રિય સહયોગે તેમને ઝડપથી આગળ વધાર્યા. બાગાયત વિભાગની 'મધમાખી હાઈવ અને કોલોની યોજના' હેઠળ તેમને ૪૦ પેટીઓ ખરીદવા માટે ₹૮૦,૦૦૦ની મહત્વપૂર્ણ સહાય મળી, જે તેમના વ્યવસાય માટે એક ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ. વ્યવસાયમાં ઉત્તરોતર પ્રગતિ કરતા આજે જશુભા વાઘેલા પાસે કુલ ૩૫૦થી વધુ મધમાખીના બોક્સ છે, અને તેમનો નાનકડો વ્યવસાય આજે એક લાભદાયી ઉદ્યોગ બની ગયો છે.
મધપાલનના વ્યવસાય થકી આર્થિક ઉન્નતિના આંકડા-
- ઉત્પાદન: તેઓ દર વર્ષે સરેરાશ ૩,૫૦૦ થી ૪,૨૦૦ કિલો શુદ્ધ મધનું ઉત્પાદન કરે છે.
- વાર્ષિક નફો: મધ અને અન્ય આનુષંગિક ઉત્પાદનોના વેચાણ થકી તેમને વાર્ષિક ₹૮ થી ૯ લાખનો જંગી નફો મળે છે.
- આ નફો માત્ર તેમની આવક નથી, પરંતુ બાગાયત વિભાગની યોજનાની અસરકારકતા અને વિકાસ સપ્તાહના સંકલ્પને સાકાર કરતો જીવંત પુરાવો છે.
દ્વિમુખી લાભ: કુદરત અને સમુદાયનું કલ્યાણ*
- જશુભા વાઘેલાની આ સાફલ્ય ગાથાનો લાભ માત્ર તેમને જ નહીં, પરંતુ સમગ્ર કૃષિ ક્ષેત્ર અને સમુદાયને મળી રહ્યો છે:
- ખેતીમાં વધારો: મધમાખી પાલનથી આસપાસની ખેતીમાં પરાગસંચય (Pollination) વધ્યું છે, જેના કારણે અન્ય પાકોના ઉત્પાદનમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. આ રીતે, તેમનો ઉદ્યોગ અન્ય ખેડૂતો માટે પણ વિકાસનું એન્જિન બન્યો છે.
- સ્થાનિક રોજગાર: તેમણે સ્થાનિક યુવાનોને મધમાખી પાલન સંબંધિત કાર્યોમાં રોજગારની તકો પૂરી પાડીને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કર્યું છે.
જશુભા વાઘેલાની સફર અન્ય ખેડૂતોને પણ પરંપરાગત ખેતીની મર્યાદાઓમાંથી બહાર નીકાળીને, બાગાયત વિભાગની યોજનાઓનો લાભ લેવા અને આવક વધારવા માટે પ્રેરણા પૂરી પાડે છે. રાજ્ય સરકારની નીતિઓ હેઠળ મળતી માહિતી અને સહાય કેવી રીતે એક સામાન્ય ખેડૂતને આત્મનિર્ભરતાના શિખર સુધી પહોંચાડી શકે છે એની આ સાફલ્યગાથા સાબિતી આપે છે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ