સુરત, 12 ઓક્ટોબર (હિ.સ.)- ‘શહેરી વિકાસ
વર્ષ-2025’ અને ‘વિકાસ સપ્તાહ-2025’ની ઉજવણી અંતર્ગત સુરત મહાનગરપાલિકાના વિવિધ
ઝોન વિસ્તારમાં રૂા.48.81 કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને રૂા.21 કરોડના
વિકાસકામોનું લોકાર્પણ કરીને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે સુરતવાસીઓને
કુલ રૂા.69.81 કરોડના વિકાસકામોની ભેટ આપી હતી. મંત્રી અને મહાનુભાવોના હસ્તે
લાભાર્થીઓને આયુષ્માન ભારત અને આભા કાર્ડનું વિતરણ કર્યું હતું.
ઈન્ડોર સ્ટેડિયમ,
અઠવાલાઈન્સ
ખાતે આયોજિત સમારોહમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ કહ્યું કે, સુરત શહેર જનહિતના ક્ષેત્રે
નેતૃત્વ કરવામાં હંમેશા અગ્રેસર રહ્યું છે. સુરતને વધુ ‘ખૂબસુરત’ બનાવવા માટે
સ્વચ્છતાને જીવનનો ભાગ બનાવવો જોઇએ. સુરતની સ્વચ્છતા અને વિકાસની રફતારને જાળવી રાખવાની
આપણી સૌની સામૂહિક જવાબદારી છે.
રમતગમત સાથે જોડાયેલા બાળકો શારીરિક અને માનસિક
રીતે મજબૂત બને છે રમતો બાળપણથી જ ખેલદિલીની ભાવના વિકસાવે છે, જે વયસ્ક થયા બાદ
બાળકના સર્વાંગી વિકાસમાં ખેલદિલીની ભાવના મહત્વનો ભાગ ભજવે છે એમ મંત્રીએ
કહ્યું હતું. 226 જેટલા
વિકાસ પ્રકલ્પો શહેરીજનોની સુખસુવિધામાં વધારો કરશે એમ જણાવી સુરતને વિકાસની દોડમાં
અગ્રેસર બનાવવામાં મહત્વનું યોગદાન આપનાર મનપાના સત્તાધીશો, અધિકારીઓ અને સમગ્ર મનપા
તંત્રને પાટીલે અભિનંદન આપ્યા હતા.
મેયર દક્ષેશભાઈ માવાણીએ સ્વાગત પ્રવચન કરતા કહ્યું કે, સુરતને સ્વચ્છતા સહિત અનેક
ક્ષેત્રોમાં છેલ્લા બે વર્ષમાં 14 જેટલા એવોર્ડ મળ્યા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા
દેશમાં સૌપ્રથમ વાર ઈન્ટરનેશનલ ગ્રીન સર્ટીફીકેશન સાથે મ્યુનિસિપલ ગ્રીન બોન્ડ
પબ્લિક ઈસ્યુથી બહાર પાડવામાં આવ્યા છે. તેમણે સુરત શહેરમાં વિશ્વ કક્ષાનું નિર્માણ પામે તેવી અપેક્ષા વ્યક્ત કરી
હતી.
આ વેળાએ જીઆવ વોર્ડ ઓફિસ, કતારગામ-કરંજ- ડુમસ આંગણવાડીઓ,
ખટોદરામાં નવી પ્રા.શાળા, સોસાયટીના આંતરિક રસ્તાઓ, પાણીની પાઈપલાઈનો, ડ્રેનેજ લાઈનો,
સ્ટ્રીટલાઈટ્સના વિકાસકામો સહિતના 226 જેટલા પ્રકલ્પોનું ઈ-ભૂમિપૂજન અને લોકાર્પણ કરવામાં
આવ્યું શામેલછે.
આ
પ્રસંગે ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, અરવિંદ રાણા, મનુભાઈ પટેલ, પ્રવિણ ઘોઘારી, રાકેશ દેસાઈ, પૂર્વ મંત્રી નરેશ પટેલ, પૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ, ડે.મેયર
ડો,નરેન્દ્ર પાટીલ, સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલ, મ્યુ.કમિશનર શાલિની અગ્રવાલ, શહેર સંગઠન પ્રમુખ પરેશ પટેલ, નવસારીના જિલ્લા સંગઠન પ્રમુખ ભૂરાભાઈ
શાહ, મનપાના પદાધિકારી-અધિકારીઓ મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ, સ્પર્ધકો, નાગરિકો
ઉપસ્થિત રહ્યા હતા.
.
ઇન્ડોર સ્ટેડીયમથી સુરત અને નવસારી વિસ્તાર માટે ‘સાંસદ
ખેલ મહોત્સવ’નો શુભારંભ
કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી.આર.પાટીલ અને સુરતના સાંસદ મુકેશભાઈ દલાલે સુરતના ઇન્ડોર સ્ટેડીયમ ખાતે સુરત
અને નવસારી સંસદીય મતવિસ્તારના સંયુક્ત ‘સાંસદ ખેલ મહોત્સવ’નો શુભારંભ કરાવ્યો હતો.
સેવા પખવાડિયા અંતર્ગત ફિટ યુવા ફોર વિકસિત ભારત’ની થીમ સાથે સુરત અને નવસારીમાં
તા.12 ઓક્ટો.થી 25 ડિસેમ્બર સુધી આયોજિત આ ખેલ મહોત્સવમાં ક્રિકેટ, કબડ્ડી, ખો-ખો, રસ્સાખેંચ, ૧૦૦મીટર દોડ, લાંબીકૂદ, ગોળાફેંક, બાસ્કેટબોલ, સંગીતખુરશી,લીંબુ ચમચી, સ્લો સાઇકલ, વોલિબોલ
સહિત કુલ 16 રમતોનો સમાવેશ કરાયો છે. 12 કેટેગરીની
રમતો
પુરૂષ સ્પર્ધકો માટે
અને 4 કેટેગરીની
રમતોમાં મહિલા સ્પર્ધકો
ભાગ લઈ રહ્યા
છે. વિજેતા ટીમને ટ્રોફી અને દરેક પ્રતિસ્પર્ધીને સર્ટિફિકેટ તથા મેડલ એનાયત
કરાશે.
આ
પ્રસંગે સાંસદ મુકેશભાઈ દલાલે જણાવ્યું કે, સાંસદ ખેલ મહોત્સવ એ શારીરિક
તંદુરસ્તી, રમતગમતની
ભાવના અને સ્પોર્ટ્સ પ્રતિભા શોધવા માટે એક મંચ પૂરો પાડવા માટે યોજવામાં આવે છે.
સુરત શહેર- જિલ્લાના રમતવીરોમાં રહેલી ખેલપ્રતિભાનો સૌને પરિચય થાય તથા કલાકારોમાં
રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર લાવવાનો હેતુ છે. ખાસ કરીને ચૂંટાયેલા
જનપ્રતિનિધિઓ, કાર્યકર્તાઓ
અને નગર-શહેરીજનો સહિત આશરે 10 હજાર લોકો ભાગ લેશે. સાંસદએ તમામ સ્પર્ધકોને
ઉજ્જવળ દેખાવ કરી રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની સ્પોર્ટ્સ કોમ્પિટીશનમાં
પસંદગી પામે અને સ્પોર્ટ્સ ક્ષેત્રે સફળ કારકિર્દી ઘડે એવી શુભેચ્છા પાઠવી હતી.
નોંધનીય
છે કે, દેશભરમાં તા.21 સપ્ટેમ્બર થી ૨૫ ડિસેમ્બર સુધી ‘સાંસદ ખેલ મહોત્સવ-2025’નું
વિવિધ સંસદીય મતવિસ્તારોમાં તબક્કાવાર આયોજન કરવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે