જામનગર, 13 ઓક્ટોબર (હિ.સ.) : મહિલાઓમાં બચતની ટેવ કેળવાય અને સ્વરોજગાર થકી પોતાના કુટુંબને સહાયરૂપ થવાની સાથે મહિલા સશક્તિકરણની દિશામાં આગેકુચ કરી રહેલી મહિલાઓ માટે સરકારની અનેકવિધ યોજનાઓ અમલી છે. તે પૈકીની એક છે DAY-NRLM યોજના એટલે કે દિન દયાળ અંત્યોદય- રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન.
દીનદયાળ અંત્યોદય યોજના - રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ ગ્રામીણ વિસ્તારમાં ગરીબ કુટુંબોની મહિલાઓને સંગઠિત કરી તેઓને કૌશલ્ય તાલીમ આપી વિવિધ આજીવિકાઓ સાથે જોડાણ દ્વારા મહિલા સશક્તીકરણ કરવાનો મુખ્ય ઉદ્દેશ છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનાં સંયુક્ત સાહસ દ્વારા શરૂ થયેલી આ યોજનાનું અમલીકરણ ગ્રામ વિકાસ વિભાગ હેઠળ ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લી. મારફતે જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય સ્તરે કરવામાં આવી રહ્યું છે. જામનગર જિલ્લામાં DAY-NRLM યોજના હેઠળ વર્ષ ૨૦૨૫-૨૬માં ૧૭૬ સખીમંડળોની રચના કરવામાં આવી છે. વર્ષ ૨૦૦૭ થી વર્ષ ૨૦૨૫ દરમિયાન જામનગર જિલ્લામાં ૬૫૮૩ સ્વસહાય જૂથ સખીમંડળોને રકમ રૂ.૬ કરોડથી વધુ રકમનું રીવોલ્વીંગ ફંડ તથા ૨૭૦૨ સ્વસહાય જૂથ/સખીમંડળોને રકમ રૂ.૨૦ કરોડથી વધુ રકમનું કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ આપવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, દીનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM) એ ગ્રામીણ વિકાસ મંત્રાલયની મુખ્ય યોજના છે, જેનો હેતુ સ્વ-સહાય જૂથો જેવી સામુદાયિક સંસ્થાઓ દ્વારા ગરીબ મહિલાઓને લાભ આપવાનો તથા બેંકોમાંથી આવશ્યક ધિરાણ ઉપલબ્ધ કરાવીને તેમના આજીવિકાનો આધાર મજબૂત કરવાનો છે.
યોજના હેઠળ જૂથોને રીવોલ્વીંગ ફંડ નિયમોનુસાર આપવામાં આવે છે. મહિલાઓને વ્યવસાય ,આર્થિક ઉપાર્જનની પ્રવૃતિઓ માટે માહિતગાર કરવા અને તે રીતે આર્થિક રીતે પગભર થાય તેવા પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt