સુરત, 13 ઓક્ટોબર (હિ.સ.)-શહેરના અમરોલી વિસ્તારમાં સાયણ ખાતે રહેતા આધેડે અમરોલી છાપરાભાઠા વિસ્તારમાં રહેતા રબારી બંધુઓ સામે કલેક્ટરમાં ફરિયાદ કરી હતી. આ વાતની અદાવત રાખી રબારી બંધુઓએ ગતરોજ અમરોલી રિલાયન્સ નગર પાસે યુવકને તથા તેના દીકરા, સાઢુ ભાઈ અને તેના દીકરાને ઘેરી લઈ તેને ઢીંક મૂકીને ઢોર માર મારી લાકડાના ફડકા વડે માર માર્યો હતો. એટલું જ નહીં પરંતુ તમારા જ્યાં જવું હોય ત્યાં જજો પણ જ્યાં પણ મળશો ત્યાં તને અને તારા દીકરાને પતાવી દઈશ અને બંને ખોવાઈ જશો તેમ કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આખરે ભોગ બનનાર આધેડે આ મામલે રબારી બંધુઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે રાયોટિંગનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે મૂળ સુરેન્દ્રનગરના વતની અને હાલમાં સુરતના અમરોલી સાયણ રોડ પર રિલાયન્સ નગર સોસાયટીમાં રહેતા જુવાનસિંહ દાદુભા રાણા ટેમ્પો ડ્રાઇવર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓએ થોડા સમય પહેલા અમરોલી છાપરાભાઠા રોડ પર રહેતા સુખાભાઈ રબારીની વિરુદ્ધમાં કલેક્ટરમાં અરજી કરી હતી. જેથી આખરે સુખાભાઈ રબારીએ આ વાતની અદાવત રાખી હતી અને ગત તારીખ 12-10-2025 ના રોજ બપોરના દોઢ વાગ્યાના અરસામાં અમરોલી રિલાયન્સ નગર બાલાજી હનુમાન મંદિર પાસેથી જુવાનસિંહ રાણા તેના દીકરા તથા સાઢુ ભાઈ અને તેના દીકરા ત્યાંથી પસાર થતો હતો ત્યારે સુખાભાઈ રબારી તથા પ્રિતેશ રબારી તથા સુખાભાઈ રબારીના બે દીકરા અને અન્ય ચાર અજાણ્યા ઈસમોએ ભેગા મળી જુવાનસિંહ અને તમામને ત્યાં અટકાવ્યા હતા અને કલેક્ટરમાં કરેલી અરજીની અદાવત રાખીને તેને તથા તેના દીકરા છત્રપાલ સિંહ તથા તેના સાઢુભાઈ રઘુભા અને તેના દીકરા હાર્દિકસિંહને ઢીક મૂકીને માર માર્યો હતો. એટલું જ નહીં પરંતુ આ તમામે ભેગા મળી જુવાનસિંહના દિકરા છત્રપાલસિંહ ને આંખ પાસે ગંભીર ઈજા પહોંચાડી હતી. એટલું જ નહીં પરંતુ બાદમાં સુખાભાઈ રબારી જુવાનસિંહને તમારે જ્યાં જવું હોય ત્યાં જજો પણ જ્યાં પણ મળશો ત્યાં તને અને તારા દીકરાને પતાવી દઈશું અને બંને ખોવાઈ જશો તેમ કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આખરે ભોગ બનનાર જુવાનસિંહ એ આ મામલે અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રાયોટીંગ નો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે