જામનગર, 13 ઓક્ટોબર (હિ.સ.) : રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે જામનગર તાલુકાના મોરકંડા ગામે પશુપાલનને પ્રોત્સાહન આપવા પશુ જાતીય આરોગ્ય કેમ્પ ખુલ્લો મુકાયો હતો. ગૌ સંવર્ધન પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવતા રાઘવજી પટેલે કાર્યક્રમની શરૂઆત ગૌ પૂજન કરીને કરી હતી. રાઘવજી પટેલે પશુપાલન વિભાગ, જામનગર દ્વારા તૈયાર કરવામાં આવેલ પશુ પ્રદર્શિની નિહાળી હતી અને પશુ રોગ નિદાન કેન્દ્ર દ્વારા સંચાલિત એમ્બ્યુલન્સની મુલાકાત લીધી હતી. તેમણે પશુઓને અપાતી વિવિધ સુવિધાઓ અને તાત્કાલિક સારવારની વ્યવસ્થા અંગે ઝીણવટભરી માહિતી મેળવી હતી.
આ તકે તેમણે નાયબ પશુપાલન અધિકારી તેજશ શુક્લ પાસેથી જિલ્લામાં કૃત્રિમ બીજદાન થકી વાછરડીઓનો જન્મ દર, પશુઓમાં જોવા મળતા લમ્પી રોગની વર્તમાન સ્થિતિ તેમજ પશુ રસીકરણની કામગીરી અંગે વિસ્તૃત માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. વધુમાં, તેમણે ખેડૂતો અને પશુપાલકોને પ્રોત્સાહિત કરવા માટે લાભાર્થીઓને સુધારેલ બિયારણની મીની કીટનું વિતરણ પણ કર્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt