ગાંધીનગર/અમદાવાદ,13 ઓકટોબર (હિ.સ.): મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર પણ આજે દિલ્હીના પ્રવાસે જવા નીકળ્યા છે એટલે છેલ્લા કેટલાક દિવસોથી મંત્રીમંડળના વિસ્તરણ અને સંગઠનમાં ફેરફારની અટકળો ચાલી રહી છે. આ પરિસ્થિતિ વચ્ચે મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ પ્રમુખ અને સંગઠન મહામંત્રીના દિલ્હી પ્રવાસ અનેક રાજકીય સંકેતો આપે છે. બીજી તરફ, કેટલાંક સૂત્રો એ પણ સંકેત આપી રહ્યા છે કે પ્રવાસનો હેતુ માત્ર રાજકીય નહીં, અન્ય વહીવટી મુદ્દાઓ પર પણ ચર્ચા કરવાનો હોઈ શકે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વક્રમા અને સંગઠન મહામંત્રી રત્નાકર આજે દિલ્હીના પ્રવાસેની સત્તાવાર રીતે રાજ્ય સરકારે કોઈ જાહેરાત કરી નથી, પરંતુ રાજકીય વર્તુળોમાં તેમના આ પ્રવાસને લઈને ચર્ચાઓ જોર પકડી રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, તેઓ દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના ટોચના નેતાઓ સાથે બેઠક કરશે. મુખ્યમંત્રીના આ દિલ્હી પ્રવાસની ચર્ચાઓએ રાજકીય ગરમાવો વધારી દીધો છે.
આ પહેલાં 4 સપ્ટેમ્બરના રોજ મુખ્યમંત્રીએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. આમ 40 દિવસમાં જ બીજીવાર પીએમ અને સીએમની મુલાકાતને રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે.
મંત્રીમંડળ વિસ્તરણમાં વચગાળા સંતુલિત નિર્ણય લેવાની રણનીતિના ભાગરૂપે આ ફોર્મ્યુલા અપનાવવામાં આવી શકે છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કન્ટિન્યુ રાખવામાં આવે, પરંતુ બાકીના મંત્રીમંડળમાં ધરખમ ફેરફાર કરાય. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હાઇમાન્ડ એવા પાંચેક મંત્રીને મંત્રીમંડળમાં અકબંધ રાખીને બાકીના દસેક નેતાને છૂટા કરી શકે છે.
જોકે કદાચ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ તેમજ ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત મંત્રીમંડળમાં યથાવત્ રહી શકે છે. બીજી તરફ હર્ષ સંઘવીને પ્રમોટ કરી કેબિનેટમાં સ્થાન આપવામાં આવશે,
મંત્રીમંડળમાંથી કોને પડતા મૂકવા અને કોને સ્થાન આપવું એનો નિર્ણય માત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ જ કરતા હોય છે, પરંતુ હાલની સ્થિતિ જોતાં એવી અટકળો થઈ રહી છે કે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં યોજાનારી મ્યુનિસિપલ કોર્પોરેશનની તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીને તેમજ 2027માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને પસંદગી કરાશે. એમાં એગ્રેસિવ થઈને લડનારા તેમજ પાટીદારોને ભાજપથી વિમુખ થતા અટકાવી શકે તેવા સક્ષમ અને યુવાન અને સારી ઈમેજવાળા ઉમેદવારોને તક અપાશે. પોતાની જ્ઞાતિ તેમજ વિસ્તાર પર સંપૂર્ણ પ્રભુત્વ હોય તેવા નેતાની પ્રથમ પસંદગી કરાશે. ઉપરાંત પ્રદેશ અને જ્ઞાતિ જાતિનુ પણ વિશેષ ધ્યાન રખાશે.
આવા નેતાઓમાં જયેશ રાદડિયા, હાલના વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરી, રાજકોટના ઉદય કાનગડ, વેજલપુરના અમિત ઠાકર, એલિસબ્રિજના અમિત પોપટલાલ શાહ, ભાવનગરના હીરા સોલંકી, અમરેલીના મહેશ કસવાલા, કૌશિક વેકરિયા, દક્ષિણ ગુજરાતના સંદીપ દેસાઈ, સંગીતા પાટીલ, જામનગરનાં રીવાબા જાડેજા અને પોરબંદરના અર્જુન મોઢવાડિયા અને માંડવી-કચ્છના અનિરુદ્ધ દવે તથા નડિયાદના પંકજ દેસાઈનો સમાવેશ થઈ શકે છે. જ્યારે બદલાયેલી સ્થિતિમાં કોંગ્રેસમાંથી આવેલા અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ અને સી.જે. ચાવડાની વિચારણા પણ કરી શકાય છે.
થોડા દિવસ અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતનું કારણ પણ મંત્રીમંડળ વિસ્તરણના સંદર્ભમાં હોવાનું માનવામાં આવી રહ્યું છે. ટૂંકમાં ગુજરાતમાં દિવાળી સુધીમાં મોટી રાજકીય હલચલ થવા જઈ રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ