- ટેકનોલોજીનો સદ્દપયોગ કરીને જાહેર શૌચાલય બનાવવામાં આવે તો સ્વચ્છતા નિયમિત જળવાઇ રહે: સરપંચ ધર્મેન્દ્ર હેજમ
- સ્માર્ટ શૌચાલયમાં ઉપયોગ કરવામાં આવેલા ઉપકરણો જેમ કે લાઈટ, પંખા વગેરે સેન્સર દ્વારા ચાલુ બંધ થાય છે
ભાવનગર,13 ઓકટોબર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના 24 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર ગુજરાતમાં વિકાસ સપ્તાહની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે રાજકોટ ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભાવનગર જિલ્લાના ઉમરાળા ગામના ઉત્સાહી સરપંચ ધર્મેન્દ્ર હેજમને સ્માર્ટ શૌચાલયના નિર્માણ બદલ સન્માનિત કરાયા હતા. આમ ધર્મેન્દ્રભાઇ હેજમે ઉમરાળા સહિત સમગ્ર ભાવનગર જિલ્લાનું રાજ્ય કક્ષાએ ગૌરવ વધાર્યું છે.
ઉમરાળા ગ્રામ પંચાયતને મુખ્ય બજાર વિસ્તારના સામૂહિક શૌચાલય (CSC)ને સ્વચ્છતા અને
કાર્યક્ષમતાના ઉચ્ચ ધોરણો જાળવવા બદલ તેમજ ગ્રામ પંચાયત દ્વારા નિયમિતપણે જાળવવામાં આવતી સામૂહિક સ્વચ્છતા શૌચાલય, ગ્રામિણ સ્વચ્છતામાં અસરકારક મરામત અને નિભાવણી તથા સમુદાયીક માલિકી માટે એક મોડેલ તરીકે ઉભું છે.
ઉમરાળા ગામના સરપંચ ધર્મેન્દ્ર હેજમે સ્માર્ટ શૌચાલયની વિશેષતાની વાત કરતાં કહ્યું કે,
આ શૌચાલયમાં ઉપયોગ કરવામાં આવેલ ઉપકરણો જેમ કે લાઈટ, પંખા વગેરે સેન્સર દ્વારા ચાલુ બંધ થાય છે. આ શૌચાલયમાં યુરિન પોર્ટ વગેરે ઉપયોગ કરતાં પાણી ફ્લશ સેન્સર દ્વારા જાતે થાય છે. પરિણામે લોકોને નળ કે ડોલ વડે પાણી નાખવું નથી પડતું. મોટાભાગે લોકો શૌચાલયનો ઉપયોગ કર્યા પછી પાણી નહીં નાખવાના કારણે અને સફાઈના અભાવે ગંદા રહે છે. પરિણામે લોકોને યોગ્ય સુવિધા મળી શકતી નથી. આ સમસ્યા માટે એમને એક વિચાર આવ્યો કે જો લોકો પાણી નાખે કે ન નાખે પણ સેન્સર દ્વારા જાતે પાણી પડી જાય તો સફાઈની જરૂર ન રહે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, હાલના જમાનામાં ટેકનોલોજી છે તો એનો સદ્દપયોગ કરીને ઉમરાળા ગામમાં આ પ્રકારના જાહેર શૌચાલય બનાવાયા છે. જેના ફળસ્વરૂપે ઉમરાળા ગામના જાહેર શૌચાલયોને રાજ્યના પ્રથમ ક્રમાંકિત શૌચાલય જાહેર કરવામાં આવ્યું છે તેની અમને સૌને ખુશી છે. આ ખુશી તેમણે ગ્રામજનોને સમર્પિત કરી હતી. તેમણે જણાવ્યું કે, ઉમરાળા ગામમાં હજુ પણ બે વિસ્તાર દાતાર બસ સ્ટેન્ડ અને બેન્સા ચોકડી બસ સ્ટેન્ડ બંને જગ્યાએ હાઇજેનિક શૌચાલયો બનાવવામાં આવશે. જેમાં હાલ કરતાં પણ ઘણી સારી સુવિધા ઉપલબ્ધ કરાવવાનું આયોજન છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ‘સ્વચ્છ ભારત અભિયાન’
અને ‘સ્વચ્છતા હી સેવા‘ જેવા અભિયાનો દેશભરમાં જનઆંદોલન બન્યાં છે ત્યારે ઉમરાળા ગામના સરપંચ ધર્મેન્દ્ર હેજમ જેવા અનેક લોકસેવકો આ અભિયાનને ખરા અર્થમાં સાર્થક કરીને સાચા અર્થમાં સ્વચ્છ ભારત મિશનને સાર્થક કરી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ