જામનગર, 13 ઓક્ટોબર (હિ.સ.) : જામનગરના વિશ્વવિખ્યાત બ્રાસ ઉદ્યોગમા દરેડ જી.આઈ.ડીસી. પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશનની 21 કારોબારી બેઠકો માટે ગઈકાલે, 12મી ઓક્ટોબર, રવિવારના રોજ યોજાયેલી ચૂંટણીમાં ઉદ્યોગ જગતમાં એક મોટો અને નિર્ણાયક સત્તાપલટો થયો છે.
‘ઔદ્યોગિક હિતકારી પેનલ’ (ત્રિશૂળ) દ્વારા તમામ 21 બેઠકો પર જંગી મતે ઝળહળતો વિજય મેળવવામાં આવ્યો છે, જેના કારણે સાત વર્ષથી શાસનમાં રહેલી પૂર્વ પ્રમુખ દિનેશભાઇ ડાંગરીયા નેતૃત્વ હેઠળની ‘પ્રગતિશીલ પેનલ’ (સૂર્ય) ની કારમી હાર થઈ છે, અને ઉદ્યોગકારોએ ગઈકાલે જાણે 'સૂર્ય'નો અસ્ત થતો જોયો હતો. દરેડ વિસ્તારમાં આવેલા આ એસોસિએશનના કુલ 1845 સભ્યોમાંથી 1649 સભ્યોએ ભારે ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું, જે રેકોર્ડબ્રેક 89 ટકાની આસપાસનો મતદાન આંક દર્શાવે છે. મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સવારે શરૂ થઈ, બપોર સુધીમાં 70 ટકા સુધી પહોંચી હતી, અને સાંજે 5 વાગ્યા સુધી અવિરત રહી હતી, જેમાં ‘ઉદ્યોગિક હિતકારી પેનલ’ તરફ વધુ મતદાન થયું હોવાના સંકેતો શરૂઆતથી જ મળી રહ્યા હતા.
મતદાન બાદ સાંજે શરૂ થયેલી મત ગણતરીમાં ચૂંટણી તંત્ર દ્વારા 1649 મતદાનમાંથી 36 મતો નાની-મોટી ખામીઓના કારણે રદ કરવામાં આવ્યા હતા, જેથી કુલ 1613 મતો વેલિડ ગણવામાં આવ્યા હતા. આ પરિણામોમાં ‘ઉદ્યોગિક હિતકારી પેનલ’ના ઉમેદવાર અતુલભાઈ ગંગદાસભાઈ પટેલે સૌથી વધુ 910 મતો મેળવી વિજયનું સર્વોચ્ચ સ્થાન હાંસલ કર્યું હતું, જ્યારે યુવા ઉમેદવાર વિષ્ણુભાઈ મહેશભાઈ પટેલે બીજા નંબરે 898 મતો મેળવીને જીત હાંસલ કરી હતી. જીત બાદ ‘ઉદ્યોગિક હિતકારી પેનલ’ના તમામ વિજેતા ઉમેદવારોએ સર્વસંમતિથી યુવા અને શિક્ષિત નેતા વિષ્ણુ મહેશભાઈ પટેલને એસોસિએશનના નવા પ્રમુખ તરીકે જાહેર કર્યા છે.
ચૂંટણીના અંતે એક બેઠક પર ટાઇ પડવાનો રોમાંચક કિસ્સો બન્યો હતો, જેમાં ‘પ્રગતિશીલ પેનલ’ના રાજેશભાઈ ચાંગાણી અને ‘ઉદ્યોગિક હિતકારી પેનલ’ના રામજીભાઈ કણજારીયાને સમાન મતો મળ્યા હતા. જોકે, રાજેશભાઈ ચાંગાણીએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લઈને ખેલદિલી બતાવી ‘ઉદ્યોગિક હિતકારી પેનલ’ના ઉમેદવાર રામજીભાઈ કણજારીયાને સમર્થન આપીને તેમને વિજયી બનાવ્યા હતા, જેથી તમામ 21 બેઠકો પર એક જ પેનલનો કબજો થયો હતો. વિગતવાર આંકડાઓ દર્શાવે છે કે, કુલ 1613 વેલિડ મતોમાંથી 1369 મતો પેનલ ટુ પેનલ (સીધા એક જ પેનલને) પડ્યા હતા, જ્યારે 280 મતદારોએ ક્રોસ વોટિંગ કર્યું હોવાનું નોંધાયું હતું, જે દર્શાવે છે કે ઉદ્યોગકારોએ વ્યક્તિગત યોગ્યતાને પણ મહત્વ આપ્યું હતું. આ શાનદાર વિજય બાદ દરેડ ઉદ્યોગમાં જબરદસ્ત ઉત્સાહનો માહોલ છવાયો છે, અને ઉદ્યોગકારો નવા પ્રમુખ વિષ્ણુ પટેલના નેતૃત્વમાં ઇ.ટી.પી. પ્લાન્ટ, આરોગ્ય કેન્દ્ર અને પારદર્શક વહીવટ જેવા મુદ્દાઓ પર ઝડપી કામગીરી શરૂ થવાની આશા વ્યક્ત કરી રહ્યા છે. આ ભવ્ય વિજય ઉદ્યોગકારોના મજબૂત સંગઠન અને પરિવર્તનની ઈચ્છાશક્તિનું પ્રતીક છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt