પાટણ, 13 ઓક્ટોબર (હિ.સ.): હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU)ના કુલપતિ અને કુલસચિવ છેલ્લા એક અઠવાડિયાથી ગેરહાજર રહેતા હોવાના મુદ્દે પાટણ જિલ્લા NSUI દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. NSUIના જણાવ્યા અનુસાર બંને જવાબદાર અધિકારીઓની ગેરહાજરીના કારણે યુનિવર્સિટીના કાર્યમાં વિક્ષેપ પડ્યો છે અને વિદ્યાર્થીઓ તેમજ કોલેજ સંચાલકો માટે મુશ્કેલી ઊભી થઈ છે.
NSUIના આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે યુનિવર્સિટીના ઇતિહાસમાં ક્યારેય એવું બન્યું નથી કે કુલપતિ અને કુલસચિવ બંને એકસાથે આખા અઠવાડિયા માટે ગેરહાજર રહ્યા હોય. ઘણીવાર વિદ્યાર્થીઓ અને સંચાલકો યુનિવર્સિટીના દરવાજેથી નિરાશ થઈને પાછા ફરતા થયા છે. અધિકારીઓ ફોન પણ ઉપાડતા નથી, તેવી ફરિયાદો મળતી રહી છે. મળતી માહિતી પ્રમાણે બંને અધિકારીઓ અન્ય યુનિવર્સિટીઓની મુલાકાતે ગયા છે.
NSUIએ સ્પષ્ટ કર્યું કે અન્ય યુનિવર્સિટીઓમાંથી શીખીને સુધારાની વાત સરાહનીય છે, પરંતુ આ પ્રક્રિયા જવાબદારીપૂર્વક થવી જોઈએ. સંગઠને પ્રશ્ન ઉઠાવ્યો છે કે જો બંને ઉચ્ચ અધિકારીઓ એકસાથે ગેરહાજર રહે, તો યુનિવર્સિટીનું કાર્ય કોણ સંભાળે? NSUIએ શિક્ષણ વિભાગ પાસે પણ પ્રશ્ન ઊભો કર્યો છે કે આવી રજા મંજૂર કેવી રીતે થઈ? NSUIએ કલેક્ટર મારફતે સરકાર સુધી માંગ પહોચાડવાની વિનંતી કરી છે કે વિદ્યાર્થીઓના હિતમાં તાત્કાલિક યોગ્ય પગલાં લેવામાં આવે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ