જામનગર, 13 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકાની ફુડ શાખા દિવાળીના તહેવારોને લઈને હરકતમાં આવી છે, અને લોકોને શુદ્ધ અને સાત્વિક ખાદ્ય પદાર્થની ચીજો મળી રહે, તેના ભાગરૂપે શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલી મીઠાઈ-ફરસાણ સહિતની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, અને કુલ 76 થી વધુ સેમ્પલો એકત્ર કરીને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલાવ્યા છે, તેમજ વેપારીઓને હાઈજેનિક ખોરાક અંગે જરૂરી સૂચનો કરાયા છે.
દિવાળીના તહેવારને અનુલક્ષીને રાજય સરકારની ડ્રાઈવ અંતર્ગત તથા જામનગ મહાનગરપાલિકાના કમિશ્નર ડી.એન.મોદીની સુચના અને માર્ગદર્શન હેઠળ જામનગર મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં ચેકીંગ કરાયું હતું. જેમાં લીમડા લાઈન, પાંચ હાટડી, ગ્રેઇન માર્કેટ, કાલાવડ નાકા બહાર, ત્રણબતી દરબાર ગઢ, ઇન્દિરા માર્ગ, શંકર ટેકરી, ગુરુદ્વારા ચોકડી, અંબર ચોકડી, બેડી ગેઇટ, પટેલ કોલોની, ખંભાલીયા નાકા બહાર સહિતની વિસ્તારમાં આવેલી દુકાનોમાં ચેકિંગની કાર્યવાહી હાથ કરવામાં આવી હતી.
ઉપરોક્ત તમામ દુકાનોમાંથી અલગ અલગ સ્થળેથી પનીર (9), ફાફડા (5), ગાઠીયા (1), જલેબી (3) બેસન (1), ઘી (18), માવો (12), ભેંસનું દૂધ (5) બેકરી પ્રોડ્કટ (10), ખાદ્ય તેલ (2) સુગર બોઈલડ કન્ફેસનરી (પેક) (8), ખાદ્ય પદાર્થના (સર્વેલન્સ+રેગ્યુલર) નમુના લઈ પરીક્ષા અર્થે ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી વડોદરા ખાતે મોકલવામાં આવ્યા છે. જેનો પૃથ્થકરણ રીપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt