મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલ પંચમહાલ-ગોધરાના છબનપુર ગામથી કરાવશે રાજ્યવ્યાપી શુભારંભ
ગાંધીનગર, 13 ઓક્ટોબર (હિ.સ.): વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાદાયી જનસેવા યાત્રાના ૨૪ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાતભરમાં તા. ૭ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન ‘વિકાસ સપ્તાહ’ની વિવિધ થીમ આધારિત ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીમાં તા. ૧૪ ઓક્ટોબરના દિવસને “કૃષિ વિકાસ દિન” તરીકે ઉજવવામાં આવશે.
આ દિવસ દરમિયાન ખેડૂતોને પ્રવર્તમાન સમયને અનુરૂપ કૃષિ પદ્ધતિઓ, ટેકનોલોજી અને નવતર અભિગમોથી પરિચિત કરાવવાના ઉદ્દેશ્ય સાથે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા તા. ૧૪ અને ૧૫ ઓક્ટોબરના રોજ “રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૫”નું પણ આયોજન કરવામાં આવ્યું છે. કૃષિ ક્ષેત્ર અને રાજ્યના ખેડૂતોને સમર્પિત આ “કૃષિ વિકાસ દિન”ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલ પંચમહાલ-ગોધરાના છબનપુર ગામ ખાતેથી “રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૫”નો રાજ્યવ્યાપી શુભારંભ કરાવશે.
કૃષિ મંત્રી રાઘવજી પટેલે રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૫ની વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું હતું કે, આગામી તા. ૧૪ અને ૧૫ ઓક્ટોબર દરમિયાન રાજ્યમાં જિલ્લા અને તાલુકા કક્ષાના મળીને કુલ ૨૬૧ સ્થળો ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૫ યોજાશે. જિલ્લા અને તાલુકા કક્ષાના કાર્યક્રમોમાં ગુજરાત સરકારના મંત્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યઓ સહિતના વિવિધ પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહીને તેનો શુભારંભ કરાવશે. આ બે દિવસીય રવિ કૃષિ મહોત્સવમાં ગુજરાતના આશરે ૩ લાખથી વધુ ખેડૂતો ભાગ લેશે.
મંત્રીએ કહ્યું હતું કે, રવિ કૃષિ મહોત્સવ દરમિયાન રાજ્યના પ્રગતિશીલ ખેડૂતો અને પશુપાલકોનું રાજ્ય સરકાર દ્વારા વિશેષ સન્માન કરવામાં આવશે. આ ઉપરાંત કૃષિ, બાગાયત અને પશુપાલન ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ કુલ ૫ લાખથી વધુ ખેડૂત લાભાર્થીઓને રૂ. ૫૦૦ કરોડ જેટલી માતબર રકમની સહાયના મંજૂરી પત્રો અને સહાય હુકમોનું પણ વિતરણ કરવામાં આવશે. વધુમાં, રાજ્યના કૃષિ વૈજ્ઞાનિકો અને કૃષિ નિષ્ણાતો દ્વારા ખેડૂતોને તેમના વિસ્તારમાં રવી ઋતુમાં વાવેતર કરવાના થતા પાકો અંગે તકનીકી માર્ગદર્શન ઉપરાંત પ્રાકૃતિક ખેતી, બાગાયત પાકોમાં નવીનતમ ટેક્નોલોજી જેવા વિવિધ વિષયો પર પણ માર્ગદર્શન આપવામાં આવશે. સાથે જ, પ્રગતિશીલ ખેડૂતો અને FPOના પ્રતિનિધીઓ દ્વારા પણ વિવિધ વિષયો પર વક્તવ્યો આપવામાં આવશે.
આ મહોત્સવમાં ખેડૂતોને રવિ પાકોના વાવેતર માટે આધુનિક કૃષિ તાંત્રિકતા અને પ્રાકૃતિક ખેત પદ્ધતિ અંગે જાગૃત કરવા માટે પાક પરિસંવાદ, નવીન ટેકનોલોજી આધારિત કૃષિ પ્રદર્શનો, ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ તેમજ રાજ્યના તમામ તાલુકાઓમાં ખેડૂતો દ્વારા પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મની મુલાકાત લેવામાં આવશે અને ખેતીને લગત ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ પણ નિષ્ણાતો-પ્રગતિશીલ ખેડૂતો દ્વારા પૂરું પાડવામાં આવશે. આ બે દિવસ દરમિયાન પશુપાલન ખાતાએ પણ વિવિધ સ્થળોએ નિ:શુલ્ક પશુ આરોગ્ય કેમ્પનું આયોજન કર્યું છે, જેનો પશુપાલકો લાભ લઇ શકશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
કૃષિ મંત્રીએ કહ્યું હતું કે, રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમના સ્થળો ખાતે પ્રગતીશીલ ખેડૂતોના ઉત્પાદનો, પ્રાકૃતિક ખેતીના આયામો, ડ્રોન ટેકનોલોજી જેવી આધુનિક કૃષિ તકનીક, કૃષિ તેમજ જમીન ચકાસણી, ખેડૂત ઉપયોગી સંશોધનો દર્શાવતા તેમજ ન્યૂ-એજીસ ફર્ટીલાઇઝરના વપરાશ માટે ખેડૂતોમાં જાગૃતિ કેળવતા વિવિધ પ્રદર્શનો સહિત કુલ ૨,૮૦૦ પ્રદર્શન સ્ટોલ ઉભા કરવામાં આવશે. જેમાં પ્રધાનમંત્રી કિસન સમ્માન નિધિ યોજના અંતર્ગત લેંડ સીડીંગ, ફાર્મર રજીસ્ટ્રી અંતર્ગત ઇ-કેવાયસી અને સેલ્ફ રજીસ્ટ્રેશન બાબતના સ્ટોલ તથા ફાર્મ મિકેનાઈઝેશન, એગ્રો પ્રોસેસીંગ માટેના યંત્ર અને ઓજારોના સ્ટોલનો પણ સમાવેશ થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કૃષિ વૈજ્ઞાનિકો અને તજજ્ઞો ખેડૂતો સાથે સીધો વાર્તાલાપ કરી શકે, તેમની સમસ્યાનું નિવારણ લાવી શકે, યોગ્ય માર્ગદર્શન પૂરું પાડી શકે, નવી ખેત પદ્ધતિઓથી અવગત કરી શકે તેમજ ખેડૂતોની સમસ્યાઓને આધારે સંશોધનો કરી શકે તેવા શુભ આશય સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૫માં કૃષિ મહોત્સવની નવી પરંપરા શરુ કરી હતી. કૃષિ ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે શરુ થયેલી આ પરંપરાને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કૃષિ મંત્રી રાઘવજી પટેલ સુપેરે આગળ ધપાવી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ