જામનગર, 13 ઓક્ટોબર (હિ.સ.) : જામનગરમાં તસ્કરો અને લૂંટારાઓ બેખોફ બન્યા છે. પોલીસનાં અસ્તિત્વ ઉપર પણ સવાલ ઉભો કરી દીધો હોય તેમ ગઇકાલે એક સાથે આઠ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને લાખોની મત્તાની ચોરી કરી લઇ ગયા હતાં. આ દરમિયાન એક વૃધ્ધ ઘરના ફળિયામાં સૂતા હતા ત્યારે તેમને ડૂમો આપીને બેફામ માર મારીને તેની પાસેથી લૂંટ પણ ચલાવી હતી.
જામનગર પોલીસ દ્વારા એક તરફ કડક પેટ્રોલિંગના દાવા કરવામાં આવી રહ્યા છે ત્યારે બીજી તરફ શહેર-જિલ્લામાં લૂંટ અને ચોરીના બનાવનો સિલસિલો પણ યથાવત ચાલુ રહ્યો છે. હજુ પરમ દિવસે જ જોડિયા પંથકમાં એક વૃધ્ધા પાસેથી લૂંટના બનાવની શાહી સુકાઇ નથી ત્યાં જ ગઇરાત્રે ફરી એક વખત શહેરની ભાગોળે તસ્કરો અને લૂંટારુની ગેંગ ત્રાટકી હતી. રણજીત સાગર માર્ગે જે જશોદાનાથ સોસાયટીમાં ગત રાત્રે એક મોટરકાર અને બાઇકમાં આવેલા બે શખ્સોએ આઠેક મકાનમાં ચોરીને અંજામ આપ્યો હતો. અહીં રહેતા યાજ્ઞિાક દિનેશભાઈ ભંડેરીએ જણાવ્યા પ્રમાણે ગત રાત્રે પોતાની સોસાયટીના આઠ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને કબાટમાંથી રોકડ અને ઘરેણા વગેરેની ચોરી કરી લઇ ગયા હતાં.
આ દરમિયાન એક મકાનમાં ઘરના ફળિયામાં ઉંઘી રહેલા વૃધ્ધાને કોઇ હથિયાર વડે ડુમો આપવામાં આવ્યો હતો અને બેફામ માર મારીને ઇજા કરીને તેમની પાસેથી રોકડ અને ઘરેણાંની લૂંટ ચલાવી હતી. આ બનાવની જાણ થતાં જ એએસપી અને પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ઉપરાંત આ સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે. આ બનાવે શહેરભરમાં ભારે ચર્ચા જગાવી છે.
લૂંટના બનાવ અંગે પ્રફુલભાઈ લખમણભાઈ ભાડજાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગત રાત્રે પોતાના માતા ઘરના ફળિયામાં સુતા હતા ત્યારે કોઇ દરવાજો ખખડાવતા ખોલ્યો હતો ત્યારે બે તસ્કરો-લૂંટારુઓએ પોતાની પાસેના ગન જેવા હથિયાર વડે અને બેફામ માર મારીને પછાડી જઇને તેમણે કાનમાં પહેરેલા રૂા. ૫૦ હજારની કિંમતના સોનાના બુટીયાની લૂંટ ચલાવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt