જામનગર, 13 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર તાલુકાના ઠેબા ગામમાં રહેતા બ્રાસપાર્ટના એક વેપારી સાયબર ઠગ ટોળકીનો શિકાર બન્યા છે, અને ઓનલાઇન ટ્રેડિંગ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાના બહાને સાત મહિનાના સમયગાળા દરમિયાન કટકે કટકે 1 કરોડ 87 લાખ જેવી માતબર રકમનું રોકાણ કરી લીધા બાદ સાયબર ચોર ટોળકીએ એકાઉન્ટ બંધ કરી દઈ વેપારીના નાણા પચાવી પાડતાં મામલો સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને અજાણ્યા શખ્સો સામે ગુન્હો દાખલ કરાવ્યો છે. જે બાબતે તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે, અને મધ્યપ્રદેશ હૈદરાબાદ તેમજ મુંબઈ તરફ તપાસનો દોર લંબાવાયો છે. અને એક શકમંદની પૂછતાછ કરવામાં આવી છે.
જામનગર તાલુકાના ઠેબા ગામમાં રહેતા અને બ્રાસપાર્ટનો વેપાર કરતા કૌશિકભાઈ જયસુખભાઈ અગ્રાવત નામના વેપારીએ જામનગરના સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ કરી જણાવ્યું છે, કે પોતાને વોટ્સએપ કોલ મારફતે કોન્ટેક કરી ટ્રેડિંગ એડવાઈઝર તરીકેની ઓળખ આપીને અલગ અલગ કંપનીની સ્કીમમાં રોકાણ કરી ઊંચું વળતર મેળવવાની લાલચ આપી તેની પાસેથી કટકે કટકે 1,87,44,407 જેવી માતબર રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા બાદ રકમ કે વળતર પરત નહીં આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાનું જાહેર કર્યું છે.
ફરિયાદી વેપારીને જાન્યુઆરી માસમાં વોટ્સએપમાં એક મેસેજ આવ્યો હતો, અને એ કંપનીને પ્રોફાઇલ મૂકવામાં આવી હતી. જેમાં સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનમ જેવી અલગ અલગ મેમ્બરશીપની સ્કીમમાં નાણાનું રોકાણ કરવાથી મોટો પ્રોફિટ મળે છે, તેવી લાલચ આપીને કટકે કટકે રોકાણ શરૂ કરાવ્યું હતું. અને મેમ્બર બનાવ્યા હતા. ત્યારબાદ વોટ્સએપની પ્રોફાઇલમાં તેઓને મોટો પ્રોફિટ થઈ રહ્યો છે, તેવું દર્શાવી વધુને વધુ રોકાણ કરાવ્યે રાખ્યું હતું, જેથી વેપારી દ્વારા જામનગરની પોતાની બેંકના ખાતા મારફતે મહારાષ્ટ્રની એક બેંકના એકાઉન્ટમાં કુલ 1,87,44,407 ની રકમ ટ્રાન્સફર કરી હતી. ત્યારબાદ જુલાઈ માસમાં એકાએક કંપની બંધ થઈ ગઈ હતી, અને આ મામલે તપાસ કરતાં પોતાની સાથે ફ્રોડ થયું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
જેથી સમગ્ર મામલો સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં લઈ જવાયો હતો. જ્યાં તેઓની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સો સામે બીએનએસ 2023 ની કલમ 316(5), 336(3), 318(4), 61(2) તથા આઇટી એક્ટ કલમ 66(સી) અને 66(ડી) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. અને આ પ્રકરણની તપાસનો ધમધમાટ શરૂ કરાયા બાદ જામનગર પોલીસે તપાસનો દોર મધ્યપ્રદેશ, હૈદરાબાદ અને મુંબઈ તરફ લંબાવ્યો છે. દરમિયાન એક શખ્સને અટકાયતમાં લઈને તેની ઘનિષ્ઠ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે. નજીકના ભવિષ્યમાં જામનગર સાઇબર ક્રાઇમની પોલીસ ટીમ આરોપી સુધી પહોંચવામાં સફળ થશે, તેમ મનાઈ રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt